Loading Please Wait !!!
ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો, 60 હજારની સહિઓની સરકારને અલ્ટિમેટમ

  • રાજકોટમાં જન આંદોલન : રાષ્ટ્રપતિથી PM સુધી ગુંજ્યો અવાજ
  • રાજકોટ મામલતદારને આવેદનપત્ર; કેન્દ્રમાં ગૌ સેવા કાનૂન બનાવવા ઉગ્ર માંગ

સિટી ન્યૂઝ@રાજકોટ : વૃંદાવનથી પ્રારંભ થયેલું દેશવ્યાપી 'ગૌ સમ્માન આહવાન અભિયાન' હવે રાજકોટ સુધી પહોંચ્યું છે. ભારતમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય, ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો મળે અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની સ્થાપના થાય તેવી પ્રબળ માંગ સાથે આજે રાજકોટમાં જનચેતનાનો જુવાળ જોવા મળ્યો હતો. આ અભિયાન અંતર્ગત શહેરના 60,000 નાગરિકોની સહી ધરાવતું આવેદનપત્ર પૂર્વ વિસ્તારના મામલતદાર મારફત દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યના મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યું છે.

આ માંગણીઓને વેગ આપવા માટે આજે શહેરના બહુમાળી ભવન ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામી પરમાત્માનંદ સરસ્વતી અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સંતો-મહંતો તેમજ મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં એક નાનકડા ગૌસેવક શૌર્ય કાક્રેચાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે અત્યંત ગંભીર વાત કરતા જણાવ્યું કે, જો રસ્તા પર ગૌમાતા ભૂખી હોય અને આપણે મોં ફેરવી લઈએ, તો કોઈ કાયદો તેને બચાવી શકશે નહીં. ગૌશાળાઓ જ્યારે સંઘર્ષ કરતી હોય ત્યારે આપણું મૌન કોઈપણ અભિયાનને નિષ્ફળ બનાવી શકે છે. આજે આપણે માત્ર આવેદન આપવા નહીં, પણ ગૌસેવા માટેનો સંકલ્પ જાગૃત કરવા આવ્યા છીએ.

ગૌમાતાની ઉપયોગીતા સમજવી અનિવાર્ય: વલ્લભભાઈ કથિરીયા
રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથિરીયાએ આ અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌ-આધારિત અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિનું પુનનિર્માણ કરવાનો છે. હાલમાં જ્યારે જમીન પ્રદૂષિત થઈ રહી છે અને લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, ત્યારે ગૌમાતાની ઉપયોગીતા સમજવી અનિવાર્ય છે. સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ગૌ-સંવર્ધનને પ્રોત્સાહન મળે અને દરેક ઘરમાં ગૌમાતાનો વસવાટ થાય તેવા પ્રયાસો આ અભિયાન હેઠળ કરવામાં આવી રહ્યા છે.

`કોઈપણ કાયદો બને તે પહેલા જનઆંદોલન જરૂરી'
જ્યારે વલ્લભભાઈ કથિરીયાને પૂછવામાં આવ્યું કે શાસક પક્ષ ભાજપ હોવા છતાં હજુ સુધી ગૌમાતાને રાષ્ટ્રમાતા કેમ જાહેર કરાઈ નથી? ત્યારે તેમણે લોકશાહીનું મહત્વ સમજાવતા કહ્યું કે, કોઈપણ કાયદો બને તે પહેલાં જનજાગૃતિ અને જનઆંદોલન અત્યંત જરૂરી છે. જેમ રામમંદિર માટે લાંબો સંઘર્ષ થયો, તેમ ગૌમાતા માટે પણ લોકજુવાળ ઊભો થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ગાય રાખીને ગૌસેવા અને પંચગવ્યના ઉપયોગનો સંદેશ આપી રહ્યા છે. આ જન અભિયાન દ્વારા એવું વાતાવરણ નિર્મિત થશે જે સાચા અર્થમાં રાષ્ટ્રનિર્માણ અને ગૌ-સંરક્ષણના કાર્યને સફળ બનાવશે.