પુજીત રૂપાણી ટ્રસ્ટના ધો.10ના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ડંકો વગાડ્યો
- 20 માંથી 8 વિદ્યાર્થીઓએ બોર્ડના ટોપ 10 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું
સિટી ન્યૂઝ@રાજકોટ : ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામમાં રાજકોટના પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ડંકો વગાડ્યો છે. ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના કુલ 20 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 18 બાળકોએ A1 ગ્રેડ, 1 બાળકે A2 ગ્રેડ અને 1 બાળકે B1 ગ્રેડ મેળવીને સળંગ 26 માં વર્ષે 100 ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે.
આ ઝળહળતા પરિણામમાં 20 માંથી 8 વિદ્યાર્થીઓએ બોર્ડના ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. જેમાં સુરાણી હિતીક્ષા અને સોલંકી ધારાએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ ઉપરાંત વિરાણી દર્શન અને ચૌહાણ અવનિએ 99.98 PR સાથે બીજો, ભંડેરી જેનીલ અને ભેસાણીયા પ્રીન્સીએ 99.95 PR સાથે પાંચમો, ડાભી વિવેકે 99.92 PR સાથે આઠમો તેમજ કુમારખાણીયા અનિલે 99.90 PR સાથે દશમો ક્રમાંક મેળવ્યો છે. વિષયવાર પરિણામ જોઈએ તો અનેક વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે.
છેલ્લા 26 વર્ષથી ટ્રસ્ટ દ્વારા ભણવામાં તેજસ્વી પરંતુ આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકો માટે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. દર વર્ષે 550 થી 600 જેટલા વિદ્યાર્થીઓમાંથી પ્રવેશ પરીક્ષા દ્વારા 20 થી 25 બાળકોની પસંદગી કરી તેમને ધોરણ 8 થી 12 સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ ટ્રસ્ટ ઉઠાવે છે. આ ઐતિહાસિક સફળતા બદલ ટ્રસ્ટી અંજલીબેન વિજયભાઈ રૂપાણીએ તમામ બાળકોને અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.