મોરબીમાં પોલીસની નાક નીચે દારૂ: જનતાએ પાડી રેડ
=> B-ડિવિઝન પોલીસ મથકથી 200 મીટર દૂર જ ધમધમતો હતો અડ્ડો
=> લેખિત રજૂઆત છતાં 5 દિવસ સુધી કાર્યવાહી ન થતા રોષ : રહીશોએ દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો
સિટી ન્યૂઝ@મોરબી : મોરબીના સામાકાંઠે પોલીસની શંકાસ્પદ નિષ્ક્રિયતા અને બેદરકારી સામે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો છે. સર્કિટ હાઉસ સામે આવેલા એક ખંઢેર મકાનમાં ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના વેચાણ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે કોઈ પગલાં ન ભરતા, આખરે વિદ્યુતનગર અને હરિ પાર્ક સોસાયટીના રહીશોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી હતી. રોષે ભરાયેલા લોકોએ જાતે જ 'જનતા રેડ' પાડી દારૂનો અડ્ડો ખુલ્લો પાડ્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે, નજીક જ B-ડિવિઝન પોલીસ મથક આવેલું હોવા છતાં, સર્કિટ હાઉસ સામેના રસ્તા પર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હતું. અહીં નશાખોરો પીને જાહેર રસ્તા પર જ ઝૂમતા નજરે પડતા હતા અને બિભત્સ હરકતો કરતા હતા. જેના કારણે આસપાસની સોસાયટીમાં રહેતી મહિલાઓ અને બાળકો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. આ ગંભીર મામલે રહીશોએ ગત 8 મેના રોજ લેખિતમાં ફરિયાદ કરી હતી, છતાં 5 દિવસ સુધી પોલીસે કોઈ દરકાર લીધી ન હતી. સ્થાનિકોએ આજે એકઠા થઈને જ્યારે ખંઢેર મકાનમાં દરોડો પાડ્યો, ત્યારે ત્યાંથી દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. જનતા રેડના સમાચાર વાયુવેગે ફેલાતા જ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી પોલીસ દોડતી થઈ હતી અને ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, પોલીસ સ્ટેશનથી માત્ર 100 થી 200 મીટરના અંતરે જ ચાલતા આ ગોરખધંધા સામે સ્થાનિકોએ પોલીસ પર ભારે ફિટકાર વરસાવ્યો છે. શું પોલીસને ઘરઆંગણે ચાલતા અડ્ડાની ખબર ન હતી? લેખિત રજૂઆત છતાં કાર્યવાહી કેમ ન થઈ? શું સ્થાનિક પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈ મીલીભગત છે? તેવા અનેક વેધક સવાલો ઉભા થયા છે.