Loading Please Wait !!!
મોરબીમાં રોડના કામ ન થતા થાળી-વેલણ વગાડી ચક્કાજામ

=> રવાપર ચોકડી પર 3 સોસાયટીના રહીશોનો મહાનગરપાલિકા સામે ઉગ્ર વિરોધ

=> રવાપર ગામે ચક્કાજામ કરી મહિલાઓએ તંત્ર વિરુદ્ધ નોંધાવ્યો વિરોધ

=> નીતિન પાર્ક, વૈભવનગર અને ચિત્રકૂટ સોસાયટીના માર્ગો માટે ચક્કાજામ 

  • સિટી ન્યુઝ @ મોરબી

મોરબીના રવાપર ગામે આવેલી 3 સોસાયટીના રોડ-રસ્તાના કામ લાંબા સમયથી અટકી પડતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ગ્રામ પંચાયત હસ્તક હતા ત્યારે મંજૂર થયેલા નીતિન પાર્ક, વૈભવનગર અને ચિત્રકૂટ સોસાયટીના માર્ગોનું નિર્માણ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પણ નહીં થતા મહિલાઓ સહિતના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવતા થાળી અને વેલણ વગાડી રવાપર-ઘુંડા રોડ પર ગોલ્ડન માર્કેટ પાસે ચક્કાજામ કર્યો હતો અને બાદમાં રવાપર ચોકડી પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ ગ્રામ પંચાયતમાં પાસ થયેલા ઠરાવો મહાપાલિકાના કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા વહેલી તકે રોડ બનાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. જોકે, મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યાને 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જમીની સ્તરે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. તંત્રની આ ઉદાસીનતા અને ખાતરીઓ પોકવાર સાબિત થતા નાગરિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે આંદોલન કરવાની ફરજ પડી હોવાનું લોકોએ જણાવ્યું હતું.

આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી મહાપાલિકાના મેયર અને કમિશનર જાતે સ્થળ પર આવીને ત્રણેય સોસાયટીના રોડના કામ ત્વરિત શરૂ કરવાની લેખિત ખાતરી નહીં આપે, ત્યાં સુધી ચક્કાજામ યથાવત રહેશે. ઉગ્ર વિરોધને પગલે ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા મામલો થાળે પાડવા માટે કયા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

મહાપાલિકા સામે વિરોધનું મુખ્ય કારણ

મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વિકાસના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ રવાપર વિસ્તારની 3 સોસાયટીમાં છેલ્લા દોઢ વર્ષથી પ્રાથમિક સુવિધા સમાન રોડના કામો કાગળ પર જ અટવાયા છે. ગ્રામ પંચાયતના સમયથી મંજૂર થયેલી ગ્રાન્ટ અને ઠરાવો હોવા છતાં મનપા તંત્ર દ્વારા સમયસર કામ પૂર્ણ કરવામાં ન આવતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના વિરોધ સ્વરૂપે આજે નાગરિકોએ રસ્તા પર ઉતરીને ઉગ્ર ચક્કાજામ કરવાની ફરજ પડી હતી.