Loading Please Wait !!!
મોરબીમાં ગેરકાયદે ખનીજ સંગ્રહ સામે કલેક્ટરની કડક કાર્યવાહી: ફેક્ટરી સીલ

  • ધરમપુરની એ.જે. માઇક્રોન પેઢી પર સરપ્રાઇઝ ચેકિંગ, પરવાના વગરનો ફેલ્સ્પાર જથ્થો સીઝ કરાયો
  • રજિસ્ટ્રેશન વગર ચાલતા એકમને ફટકારાશે મોટો દંડ, હાઇવે પર કોલસાની ટ્રકો પણ પકડાઈ
  • સિરામિકના રો મટિરિયલ 'ફેલ્સ્પાર'ના બિનઅધિકૃત સ્ટોક પર ખાણ ખનિજ વિભાગનો સપાટો

સિટી ન્યુઝ @ મોરબી 

મોરબી જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન, પરિવહન અને બિનઅધિકૃત ખનિજ સંગ્રહ કરનારા તત્વો સામે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. કલેક્ટર સ્વપ્નિલ ખરેના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ ખનિજ વિભાગ સાથે મળીને આખા જિલ્લામાં એક વિશેષ સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબી તાલુકાના ધરમપુર વિસ્તારમાં ખુદ કલેક્ટર ઓચિંતા ધસી ગયા હતા અને ખુલ્લામાં ફેલ્સ્પારનો વિપુલ જથ્થો નજરે પડતાં યુનિટમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ખનીજ સંગ્રહ માટે જરૂરી રજિસ્ટ્રેશન ન હોવાનું સામે આવતાં યુનિટને સીલ કરી દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ધરમપુર વિસ્તારમાં આવેલી ‘એ.જે. માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડ’ નામની પેઢીએ ખનિજ સંગ્રહ કે પ્રોસેસિંગ માટેનું કોઈપણ પ્રકારનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવ્યું જ ન હતું. આમ છતાં, તંત્રની આંખમાં ધૂળ નાખીને અહીં મોટા પાયે સિરામિક ઉદ્યોગમાં વપરાતા ફેલ્સ્પાર ખનિજનો બિનઅધિકૃત જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી-વાંકાનેર હાઇવે પરથી બિનઅધિકૃત રીતે કોલસાનું પરિવહન કરતી કેટલીક શંકાસ્પદ ટ્રકોને પણ કલેક્ટરે પોતે અટકાવીને ચકાસણી કરી હતી. આ તમામ કેસોમાં આગળની કાયદેસરની અને દંડનીય કાર્યવાહી કરવા માટે તપાસ ભૂસ્તરશાસ્ત્રીની ટીમને સોંપવામાં આવી છે.

ભૂસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરના જણાવ્યા મુજબ, ફેલ્સ્પાર એક પ્રકારનું પોટાશ સલ્ફેટ ખનીજ છે, જે મોટાભાગે રાજસ્થાનથી લાવવામાં આવે છે અને તેનો ઉપયોગ સિરામિક એકમોમાં રો મટિરિયલ તરીકે થાય છે. આ ખનીજના વેચાણ અને સંગ્રહ માટે લાયસન્સ મેળવવું કાયદાકીય રીતે ફરજિયાત છે. આ ઉપરાંત જિલ્લામાં 30/09/2026 ના રોજ પૂર્ણ થનારી સાદી રેતી અને ખનિજની ક્વોરી કે લીઝ બાબતે કલેક્ટરે મચ્છુ નદીના પટમાં આવેલા વનાળિયા અને રવાપર વિસ્તારમાં નવી લીઝની હરાજીની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા સૂચના આપી છે. કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લાની ખનિજ સંપત્તિની ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.

ગેરકાયદે મુદ્દામાલની ગણતરી અને દંડની કવાયત

તંત્ર દ્વારા એ.જે. માઇક્રોન નામની પેઢીનું આખું પરિસર સીલ કરીને ફેલ્સ્પારનો તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ખાણ ખનિજ વિભાગની ખાસ ટીમ દ્વારા સ્થળ તપાસ કરીને આ બિનઅધિકૃત મુદ્દામાલની ચોક્કસ કિંમત નક્કી કરવાની ગણતરી શરૂ કરવામાં આવી છે. આ આંકડો સામે આવ્યા બાદ કંપનીને મોટો આર્થિક દંડ ફટકારવામાં આવશે અને આગામી સમયમાં અન્ય સિરામિક એકમોમાં પણ આવું જ કડક ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.