મોરબી ફાયરિંગ કેસમાં મોટો ધડાકો: શાહરૂખ પઠાણે પણ કર્યું હતું વળતું ફાયરિંગ
- જેડા પરિવારે નોંધાવી વળતી ફરિયાદ; સ્કોર્પિયો ગાડીમાં ઘુસી ગઈ ગોળી
- થાર ગાડીથી સ્કોર્પિયોને મારી ટક્કર; 15 દિવસ જૂની અદાવતમાં લોહીની હોળી ખેલાઈ
- નૂરમહમદ જેડાની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં; બંદૂક જેવા હથિયારથી એક રાઉન્ડ ફાયરિંગનો આક્ષેપ
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી-માળિયા હાઈવે પર રવિવારે રાત્રિના સમયે થયેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે. આ કેસમાં અગાઉ નોંધાયેલી ફરિયાદ બાદ હવે સામા પક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવવામાં આવતા હુમલાનું સત્ય બહાર આવ્યું છે. વીસીપરા વિસ્તારના કુલીનગરમાં રહેતા નૂરમહમદ જેડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી શાહરૂખ પઠાણે તેમને મારી નાખવાના ઈરાદે બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી નૂરમહમદ અને તેના ભાઈ સાજીદને આરોપી શાહરૂખ પઠાણ તથા આમદ કટિયા સાથે પંદરેક દિવસ પહેલા માથાકૂટ થઈ હતી. આ અદાવત રાખીને રવિવારે રાત્રે 12:30 વાગ્યાના અરસામાં બાલાજી હોટલ પાસે કાવતરું રચીને હુમલો કરવામાં આવ્યો હતો. નૂરમહમદ અને તેનો ભાઈ પોતાની સ્કોર્પિયો ગાડીમાં બેઠા હતા ત્યારે શાહરૂખે ફાયરિંગ કર્યું હતું, જેની ગોળી ગાડીમાં વાગી હતી. આટલું જ નહીં, આરોપી વીરુ રાઠોડે પોતાની લાલ કલરની થાર ગાડીથી સ્કોર્પિયોને પાછળથી જોરદાર ટક્કર મારીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહરૂખ પઠાણે સાજીદ જેડા અને નૂરમહમદ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે પોતાના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાનો અને તેના ભાઈ સહિત ત્રણને ઈજા પહોંચ્યાનો દાવો કર્યો હતો. હવે સામસામે ફરિયાદો થતાં પોલીસે આ ગેંગવોર જેવી ઘટનાને ગંભીરતાથી લીધી છે.
તાલુકા પોલીસે હાલમાં શાહરૂખ પઠાણ, આદમ કટિયા, વીરુ રાઠોડ, સલીમ પઠાણ અને અલીભાઈ કટિયા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. મોરબીના હાર્દ સમાન હાઈવે પર ધોળે દિવસે જે પ્રકારે ફાયરિંગ અને ગાડીઓ અથડાવવાની ઘટના બની છે, તેનાથી સ્થાનિક ઉદ્યોગકારો અને પ્રજામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે બંને પક્ષના આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.