Loading Please Wait !!!
મોરબી સિરામિક પ્રોડક્ટના ભાવમાં 20% નો પ્રચંડ વધારો

  • પહેલી જૂનથી નવા દરો લાગુ, હવે 100% એડવાન્સ પેમેન્ટ પછી જ માલ મળશે
  • કાચા માલના ભાવ વધતા એસોસિએશન કડક મૂડમાં, ટાઇલ્સના ભાવમાં ધરખમ વધારો
  • પ્રમુખ મનોજ એરવાડીયાની જાહેરાત: પ્રતિ બોક્સ 30 થી 50 રૂપિયાનો વધારો ઝીંકાયો

સિટી ન્યુઝ @ મોરબી

વિશ્વભરમાં ટાઇલ્સ ઉત્પાદન માટે પ્રખ્યાત મોરબી સિરામિક ઉદ્યોગે પહેલી જૂનથી સિરામિક પ્રોડક્ટના ભાવમાં સરેરાશ 20% નો ધરખમ વધારો કરવાનો આકરો નિર્ણય લીધો છે. આ સાથે જ વેપાર પદ્ધતિમાં બહુ મોટો ફેરફાર કરતા એસોસિએશને જાહેરાત કરી છે કે હવે ગ્રાહકો પાસેથી 100% એડવાન્સ પેમેન્ટ મળ્યા પછી જ માલનો ઓર્ડર લેવામાં આવશે અને તેને પૂરો પાડવામાં આવશે. વૈશ્વિક બજારમાં કાચા માલના ભાવમાં થયેલા નોંધપાત્ર અને અસહ્ય વધારાને કારણે સ્થાનિક ઉદ્યોગને બચાવવા માટે આ સામૂહિક નિર્ણય લેવાની ફરજ પડી છે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, જીવીટી (GVT) ટાઇલ્સના વર્તમાન ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો સીધો વધારો કરાયો છે. જ્યારે સામાન્ય લોકોના ઘરના બાંધકામમાં વપરાતી ફ્લોર અને વોલ ટાઇલ્સના ભાવમાં પ્રતિ બોક્સ 30 થી 50 રૂપિયાનો વધારો લાગુ કરવામાં આવ્યો છે. આ તમામ નવા અને સુધારેલા ભાવ પહેલી જૂનથી સત્તાવાર રીતે અમલમાં આવી જશે, જેને પગલે આગામી દિવસોમાં મકાન બાંધકામના બજેટ પર પણ સીધી અસર જોવા મળશે.

સ્થાનિક ઉદ્યોગકારોના મતે, સિરામિક પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસ સહિતના કાચા માલના ભાવમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભૌગોલિક પરિસ્થિતિ બાદ સરેરાશ 10 થી 40% નો મોટો વધારો ઝીંકાયો છે. ખાસ કરીને ટાઇલ્સ પકવવા માટેના નેચરલ ગેસના ભાવ આંતરરાષ્ટ્રીય કટોકટીને કારણે બમણા થઈ ગયા છે, જેના લીધે ફેક્ટરીઓમાં પ્રોડક્ટની પડતર કિંમત ખૂબ વધી ગઈ છે. આ આર્થિક બોજા હેઠળ દબાયેલા ઉદ્યોગને બહાર લાવવા ઉધાર પ્રથા બંધ કરી એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ દાખલ કરાઈ છે.

નેચરલ ગેસના ભાવ બમણા થતાં ઉદ્યોગ મુશ્કેલીમાં

આંતરરાષ્ટ્રીય બજારમાં યુદ્ધની સ્થિતિને કારણે મોરબીના સિરામિક ક્ષેત્ર પર આર્થિક સંકટના વાદળો છવાયા છે. અત્યાર સુધી સિરામિક પ્રોડક્ટનું મોટાભાગનું વેચાણ લાંબા સમયની ઉધાર પ્રથા પર ચાલતું હતું, જેનાથી ઉદ્યોગકારોની લિક્વિડિટી ફસાઈ જતી હતી. હવેથી ગ્રાહકોએ ઓર્ડર આપતી વખતે જ પૂરેપૂરું પેમેન્ટ ચૂકવવું પડશે, જેથી ફેક્ટરીઓ પોતાની પડતર કિંમત અને ગેસના બિલ સમયસર ચૂકવી શકે.