લાઈટ બિલ ભરવાનું કહેતા પિતા પર હુમલો
સિટી ન્યૂઝ@મોરબી : મોરબીના જેતપર રોડ પર આવેલા પીપળી ગામે સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ઘરનું લાઈટ બિલ ભરવા જેવી સામાન્ય બાબતમાં સગા દીકરા અને પુત્રવધુએ અન્ય એક શખ્સ સાથે મળીને પિતા પર લાકડાના ધોકા વડે હુમલો કરી મૂઢમાર માર્યો હતો. આરોપીઓએ ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પિતાએ મોરબી તાલુકા પોલીસ મથકે 3 સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ મુજબ, પીપળી ગામ પાસેની માનસધામ સોસાયટી-2 માં રહેતા શીવાભાઈ ગલાભાઈ રાઠોડ (ઉ.વ. 50) એ તેમના પુત્ર જીતેન્દ્ર રાઠોડને ઘરનું લાઈટ બિલ ભરી આવવા કહ્યું હતું. આ વાત સાંભળતા જ દીકરો જીતેન્દ્ર ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો.
આ દરમિયાન જીતેન્દ્રની પત્ની લતાબેને મુકેશભાઈ ડાભી નામના શખ્સને ઘરે બોલાવી લીધો હતો. મુકેશભાઈએ પણ આવીને શીવાભાઈ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ એકસંપ થઈ લાકડાના ધોકા વડે શીવાભાઈ તથા અન્ય એક સાક્ષીને બેફામ મૂઢમાર મારી ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ ઘરના સામાનમાં તોડફોડ કરી અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કર્યા હતા.
આધેડ શીવાભાઈ રાઠોડે પુત્ર જીતેન્દ્ર રાઠોડ, પુત્રવધુ લતાબેન અને મુકેશભાઇ ડાભી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે.