કારડીયા રાજપૂત સમાજના આગેવાનો વચ્ચે આંતરિક વિવાદ વકર્યો!
- વિક્રમસિંહના નિવેદન સામે દીનુ સોલંકીનો આક્રમક પલટવાર!
- કોડીનાર અને સુરેન્દ્રનગર સંસ્થાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ!
- સારા કાર્યમાં આવા ભૂંડળા સામે ધ્યાન ન દેવાય!
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કારડીયા રાજપૂત સમાજની બે શૈક્ષણિક સંસ્થાઓ—કોડીનારની કારડીયા રાજપૂત વિદ્યાર્થી ભુવન (KRVB) અને સુરેન્દ્રનગરની ગુજરાત રાજપૂત કરિયર એકેડમી (GRCA) વચ્ચેના કથિત મતભેદો હવે જાહેરમાં આવી ગયા છે અને બંને પક્ષના આગેવાનો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.
સમગ્ર વિવાદની શરૂઆત ૧૨ નવેમ્બરે ઉના તાલુકાના આમોદ્રા ગામે યોજાયેલા સંમેલનમાં થઈ હતી, જ્યાં સુરેન્દ્રનગરના સમાજ આગેવાન વિક્રમસિંહ પરમારે કોઈનું નામ લીધા વિના 'ભૂંડળા' અને 'ડુક્કર' અંગે તીખું નિવેદન આપતા જણાવ્યું હતું કે સારા કાર્યમાં આવા તત્વો સામે ધ્યાન ન દેવાય.
આ નિવેદનના બે દિવસ બાદ, ૧૪ નવેમ્બરે કોડીનારમાં યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ નામ લીધા વિના સુરેન્દ્રનગરના આગેવાનો સામે આક્રમક વળતા પ્રહારો કર્યા હતા અને દાન ઉઘરાવવા તેમજ જમીન પચાવી પાડવાના પ્રયાસો અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા.
કોડીનાર ખાતે યોજાયેલા ‘સર્વ સમાજ સિદ્ધિ સમારોહ’ દરમિયાન દીનુ સોલંકીએ પડકાર ફેંકતા જણાવ્યું હતું કે જો શક્તિ હોય તો ઘોડા-લશ્કર લઈને મેદાનમાં આવવું જોઈએ કારણ કે મંચ કોડીનારનો જ છે અને સમાજના હિતો સામે કોઈ ચલાવી લેવામાં નહીં આવે.
આંતરિક મતભેદો અને બે અલગ-અલગ સંસ્થાઓ વચ્ચે ચાલી રહેલા આ વિવાદને કારણે કારડીયા રાજપૂત સમાજમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ વણસવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
સમાજિક સંસ્થાઓ અને નેતૃત્વ વચ્ચેના મતભેદો
જ્યારે પણ સામાજિક કે શૈક્ષણિક સંસ્થાઓના મંચનો ઉપયોગ વ્યક્તિગત કે જૂથગત ટાંટિયાખેંચ માટે થવા લાગે છે, ત્યારે સમાજની એકતા જોખમાતી હોય છે. સંવાદ અને સમજદારી દ્વારા જ આવા આંતરિક વિવાદોનો અંત લાવી શકાય છે.