Loading Please Wait !!!
પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક 60 દિવસ માટે નજરકેદ!

  • લેહ તંત્ર દ્વારા રેલીઓ અને જુલુસો પર પ્રતિબંધ!
  • લદ્દાખ ઓટોનોમસ હિલ કાઉન્સિલની ચૂંટણી ચાર ડિસેમ્બરે!
  • ઠંડીની સિઝનમાં ચૂંટણી યોજાવાના સમયનો ઉગ્ર વિરોધ!

    સિટી ન્યુઝ @ નવી દિલ્હી

    જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકને લેહના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર આગામી ૬૦ દિવસ માટે નજરકેદ કરવામાં આવ્યા છે અને તેમની રેલીઓ તેમજ જુલુસોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

    વહીવટી તંત્ર દ્વારા પોલીસના એક અહેવાલ અને લેહ પોલીસ પ્રમુખના પત્રનો સંદર્ભ ટાંકીને બીએનએસએસની કલમ ૧૬૩ હેઠળ આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જે આગામી બે મહિના સુધી અમલમાં રહેશે.

    આગામી ૪ ડિસેમ્બરે યોજાનારી લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલોપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીના સમય સામે સોનમ વાંગચુક અને અન્ય સ્થાનિક નેતાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે કડકડતી ઠંડી અને લોકોના મોસમી સ્થળાંતરના કારણે અનેક મતદાતાઓ મતદાનથી વંચિત રહી શકે છે.

    બીજી તરફ, લદ્દાખના મુખ્ય સચિવ આશીષ કુંદ્રાએ શિયાળામાં ચૂંટણી યોજવાના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું છે કે પ્રશાસન દ્વારા મતદારોની સુવિધા માટે મતદાન કેન્દ્રો પર હીટર લગાવવા અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ લાઇનો જેવી તમામ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

    સોનમ વાંગચુકની નજરકેદ અને ચૂંટણીના સમયને લઈને લદ્દાખના રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા અને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને જનપ્રતિનિધિત્વ

    કોઈપણ પ્રાદેશિક સંસ્થા કે કાઉન્સિલની ચૂંટણીઓ જ્યારે યોજાય, ત્યારે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિઓ, હવામાન અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખવી અત્યંત આવશ્યક છે. તંત્ર અને નાગરિકો વચ્ચે સંવાદિતા જ લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવતી હોય છે.