હવામાન વિભાગની આગાહી અનુસાર ‘બિપોરજોય’ વાવાઝોડું આગામી તા. 14 અને 15નાં રોજ સૌરાષ્ટ્ર સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલથી જ રાજકોટ શહેરમાં વાવાઝોડાની અસરે ભારે પવન ફૂંકાવા લાગ્યો હોવાથી મનપા તંત્ર એલર્ટ થયું છે. અને શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા મોટા અને ભયજનક હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. આવા હોર્ડિંગ્સ ભારે પવનને કારણે પડતા જાનહાની થવાની શક્યતાઓ હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રેસકોર્સ, કાલાવડ રોડ, અતિથિ ચોક, પર્ણફૂટી સોસા., રાજનગર ચોક તેમજ મવડી રોડ સહિતના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી હતી.