Loading Please Wait !!!
ગેસની અછતથી ટ્રેનમાં ઈલેક્ટ્રિક ચૂલાથી રસોઈ !

  • રેલવે તંત્રએ નવી તૈયારી શરૂ કરી

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવની અસર હવે ભારતીય રેલવેની કેટરિંગ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. એલપીજી સિલિન્ડરોની અછતને કારણે રેલવે સામે એક મોટો પડકાર ઉભો થયો હતો, પરંતુ આ સંકટને તકમાં બદલતા આઈઆરસીટીસીએ એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. વર્ષો પહેલા ટ્રેનોમાં ગેસ પર રસોઈ બનાવવાની જે જોખમી પ્રથા બંધ કરવામાં આવી હતી, તેને હવે એક નવા, આધુનિક અને સલામત અવતારમાં ફરી શરૂ કરવામાં આવી છે. હવે ટ્રેનોમાં ગેસ નહીં, પરંતુ વીજળીથી ચાલતા ઇન્ડક્શન ચૂલાઓ પર ભોજન તૈયાર થશે.

ભારતીય રેલવેનું નેટવર્ક વિશ્વના સૌથી મોટા નેટવર્કમાંથી એક છે. દરરોજ લગભગ ૧,૪૦૦ ટ્રેનોમાં મુસાફરી કરતા અંદાજે ૧૭ લાખ મુસાફરોને ગરમાગરમ ભોજન પીરસવાનું કામ ખૂબ જ જવાબદારીપૂર્વકનું છે. આ વિશાળ સંખ્યામાં ભોજન તૈયાર કરવા માટે સામાન્ય રીતે દરરોજ લગભગ ૧,૦૦૦ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોની જરૂર પડે છે. જોકે, વર્તમાન પરિસ્થિતિને જોતા આટલા મોટા પ્રમાણમાં ગેસની ઉપલબ્ધતા જાળવવી મુશ્કેલ બની ગઈ છે.

આ સંકટને પહોંચી વળવા માટે IRCTC એ રાજધાની, શતાબ્દી, દુરંતો અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોની આધુનિક એલએચબી પેન્ટ્રી કારમાં ઈલેક્ટ્રિક કુકિંગની સુવિધા તૈયાર કરી દીધી છે. આઈઆરસીટીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય કુમાર જૈનના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં કેટલાક સુરક્ષિત પેન્ટ્રી કારમાં વીજળીથી રસોઈ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં, રેલવેએ ઓઈલ કંપનીઓ સાથે પણ તાલમેલ સાધ્યો છે જેથી જરૂર પડશે ગેસનો પુરવઠો પણ મળી રહે.

પરિવર્તન માત્ર ચાલુ ટ્રેનો પૂરતું સીમિત નથી. રેલવેના સ્ટેશનો પર આવેલા ફૂડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ અને જન આહાર કેન્દ્રોને પણ સ્પષ્ટ નિર્દેશો આપી દેવામાં આવ્યા છે કે તેઓ વહેલી તકે ઇન્ડક્શન અને માઇક્રોવેવનો ઉપયોગ શરૂ કરે. રેલવેનું લક્ષ્ય છે કે આગામી સમયમાં તેમની રસોઈનો અંદાજે 90% હિસ્સો વીજળી આધારિત કુકિંગ પર સંપૂર્ણ રીતે શિફ્ટ થઈ જાય. આ માત્ર ઈંધણની અછતને પહોંચી વળવા માટે જ નહીં, પરંતુ સુરક્ષા અને આધુનિકીકરણની દ્રષ્ટિએ પણ ખૂબ જ આવશ્યક છે. આ આકસ્મિક સંકટ અને વધતી જતી ઈનપુટ કોસ્ટ (કાચા માલ અને ઈંધણનો ખર્ચ) ને કારણે આઈઆરસીટીસીની નાણાકીય સ્થિતિ પર પણ તેની અસર સ્પષ્ટ દેખાય છે.