Loading Please Wait !!!
ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે મોટી રાહત: H-1B વિઝા ફી વધારાનો નિર્ણય રદ

  • બોસ્ટન કોર્ટે ટ્રમ્પનો ૧૦૦,૦૦૦ ડોલરની ફીનો નિર્ણય ગેરકાયદેસર ગણાવ્યો
  • H-1B વિઝા પર ૧ લાખ ડોલરની જંગી ફી લાદવાનો ટ્રમ્પનો આદેશ કોર્ટે ફગાવ્યો
  • રાષ્ટ્રપ્રમુખ પાસે ટેક્સ લાદવાની સત્તા નથી, જજ લિયો સોરોકિનનો મહત્વનો ચુકાદો

સિટી ન્યુઝ @ બોસ્ટન

અમેરિકામાં પોતાની કુશળતાના દમ પર કરિયર બનાવવા માંગતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. બોસ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ નિર્ણયને રદબાતલ ઠેરવ્યો છે, જેમાં નવા H-1B વિઝા માટે ૧૦૦,૦૦૦ ડોલરની જંગી ફી ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જજ લિયો સોરોકિને આ નીતિને ગેરકાનૂની ગણાવીને તેને ફગાવી દીધી છે, જેને ટ્રમ્પ વહીવટીતંત્રના ઈમિગ્રેશન ક્રેકડાઉન માટે એક મોટો ફટકો માનવામાં આવે છે.

ચુકાદો આપતા જજ લિયો સોરોકિને સ્પષ્ટ કર્યું કે પ્રમુખ પાસે કોંગ્રેસની મંજૂરી વિના આ પ્રકારનો આર્થિક બોજ લાદવાની કોઈ કાનૂની સત્તા નથી. તેમણે અવલોકન કર્યું હતું કે આ માત્ર એક ફી નથી, પરંતુ એક પ્રકારનો ટેક્સ છે જે લાદવાનો અધિકાર માત્ર સંસદ (કોંગ્રેસ) પાસે જ છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો મૂળ હેતુ અમેરિકી કંપનીઓને વિદેશી કર્મચારીઓ રાખતા રોકીને સ્થાનિક નાગરિકોને પ્રાથમિકતા આપવાનો હતો, જે માટે તેમણે ફીમાં ધરખમ વધારો કર્યો હતો. અગાઉ આ પ્રક્રિયા માટે ૨,૦૦૦ થી ૫,૦૦૦ ડોલરની ફી લેવામાં આવતી હતી.

ભારતીય આઈટી વ્યાવસાયિકો, એન્જિનિયરો અને હેલ્થકેર વર્કર્સ માટે H-1B વિઝા અમેરિકામાં કામ કરવાનો સૌથી મહત્વનો માર્ગ છે. દર વર્ષે ઈશ્યુ થતા આવા વિઝામાં ભારતીયોનો હિસ્સો સૌથી મોટો હોય છે. આ નિર્ણય સામે અનેક બિઝનેસ સંગઠનો અને રાજ્યોએ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, એવી પૂરી સંભાવના છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર આ નિર્ણય વિરુદ્ધ ઉપલી કોર્ટમાં અપીલ કરશે, પરંતુ હાલ પૂરતો આ ચુકાદો હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને ટેક કંપનીઓ માટે એક મોટી લાઈફલાઈન સાબિત થયો છે.

 ભારતીયો પર અસર

H-1B વિઝા પ્રોગ્રામ ભારતીય ટેકનિકલ નિષ્ણાતો માટે કરિયરનું સ્વપ્ન સાકાર કરતું માધ્યમ છે. હાલમાં અમેરિકામાં અંદાજે ૭૩૦,૦૦૦ H-1B વિઝા ધારકો વસે છે, જેમાંથી મોટાભાગના ભારતીયો છે. આ વિઝા દ્વારા તેઓ તેમના પરિવાર સાથે ત્યાં સ્થાયી થઈ શકે છે, જેનાથી આશરે ૫૫૦,૦૦૦ આશ્રિતોને પણ ફાયદો મળે છે. કોર્ટના આ નિર્ણયને કારણે મોટી સંખ્યામાં ભારતીયોના રોજગાર અને ભવિષ્યની અનિશ્ચિતતા દૂર થઈ છે.