સત્તા ગુમાવતા જ તૃણમૂલમાં મોટું ભંગાણ: TMC ત્રણ જૂથોમાં વહેંચાઈ
- ૨૦ સાંસદો ભાજપ સાથે જોડાવાની અટકળો, મમતા બેનરજી માટે મોટો આંચકો
- કાકોલી ઘોષના નેતૃત્વમાં ૧૪ સાંસદોની ભાજપ સાથે બેઠક, પાર્ટીમાં ત્રણ ફાંટા
- કાકોલી ઘોષનું બળવાખોર જૂથ સક્રિય, લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થાની માગ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં આંતરિક કલેશ ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષ હવે ત્રણ અલગ-અલગ જૂથોમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. અહેવાલો મુજબ, લોકસભાના કુલ ૨૮ સાંસદોમાંથી ૨૦ સાંસદોએ ભાજપના નેતૃત્વવાળી NDA સરકારને સમર્થન આપવાનો મન બનાવી લીધું છે. લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં બળવાખોર જૂથે લોકસભા સ્પીકરને અલગ બેઠક વ્યવસ્થા માટે પત્ર પણ લખ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસે મળેલી બેઠકમાં કાકોલી ઘોષ સહિત ૧૪ સાંસદો હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.
પક્ષની વર્તમાન સ્થિતિ જોઈએ તો, તૃણમૂલ ત્રણ જૂથોમાં સ્પષ્ટ દેખાય છે. પ્રથમ જૂથ કાકોલી ઘોષનું છે જે બળવાખોર છે. બીજું જૂથ મમતા બેનરજી સાથે મજબૂતીથી ઊભું છે, જેમાં અભિષેક બેનરજી, મહુઆ મોઇત્રા, સુદીપ બંદોપાધ્યાય અને કલ્યાણ બેનરજી જેવા વફાદાર નેતાઓનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજું જૂથ સંપૂર્ણપણે 'સાયલન્ટ મોડ'માં છે, જેમાં શત્રુઘ્ન સિન્હા અને યુસુફ પઠાણ જેવા જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે. આ જૂથ અત્યારે કોઈ પણ પક્ષ લેવાનું ટાળી રહ્યું છે.
કાયદાકીય રીતે, પક્ષપલટા વિરોધી કાયદા (એન્ટી ડિફેક્શન લો) થી બચવા માટે બળવાખોર જૂથને ઓછામાં ઓછા ૧૯ સાંસદોના સમર્થનની જરૂર છે. કાકોલી ઘોષે ૨૦ સાંસદોનો દાવો કર્યો છે, પરંતુ મમતાના વફાદાર સાંસદ કીર્તિ આઝાદે આ દાવાઓને ભાજપની 'ડર્ટી ટ્રિક્સ' ગણાવીને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીમાં કોઈ મોટું ભંગાણ નથી. આ રાજકીય ધરતીકંપ વચ્ચે મમતા બેનરજી પોતાની પાર્ટીને બચાવવા માટે કયા પગલાં લે છે, તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.
પક્ષપલટા વિરોધી કાયદાની મર્યાદા
રાજકીય પક્ષોમાં જ્યારે બળવો થાય છે ત્યારે 'એન્ટી ડિફેક્શન લો' સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. સંવિધાનની ૧૦મી અનુસૂચિ મુજબ, જો કોઈ સાંસદ પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાય, તો તેમનું સભ્યપદ રદ થઈ શકે છે, સિવાય કે કુલ સંખ્યાના ૨/૩ સભ્યો પક્ષ છોડે. તૃણમૂલ માટે ૨૮ માંથી ઓછામાં ઓછા ૧૯ સાંસદોનું હોવું અનિવાર્ય છે. તેથી જ ભાજપ સાથે જોડાયેલા જૂથ દ્વારા ૨૦ સાંસદો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેથી તેઓ કાયદાકીય જોગવાઈથી બચી શકે અને લોકસભામાં પોતાનું અલગ અસ્તિત્વ ટકાવી શકે.