સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ NEET PG 2025 પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. હવે પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.
નવી દિલ્હી: મેડિકલ ક્ષેત્રમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવનારી NEET PG 2025 પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા સોમવારે સત્તાવાર રીતે પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરાશે
NBEMS દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટે ખાતરી કરવા કહ્યું છે કે પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતા, સુરક્ષિત કેન્દ્રો અને યોગ્ય માળખાગત સુવિધા સાથે લેવામાં આવે. અગાઉ આ પરીક્ષા 15 જૂન, 2025ના રોજ બે શિફ્ટમાં યોજાવાની હતી.
નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
NBE એ સ્પષ્ટતા કરી છે કે હવે એક જ શિફ્ટમાં પરીક્ષા લેવા માટે ટૂંક સમયમાં નવી પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવશે. પરીક્ષા માટે વધુ પરીક્ષા કેન્દ્રો અને માળખાગત સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પાછળનું કારણ
અગાઉ, ઘણા ઉમેદવારો અને ડોકટરોએ NEET PG પરીક્ષાની તારીખ અને ફોર્મેટ અંગે સ્પષ્ટતાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં (WP 456/2025) પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે બે શિફ્ટમાં પરીક્ષા લેવાથી રેન્કિંગ અને ન્યાયીપણા પર અસર પડી શકે છે. આ અરજીઓને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.