સુરત પોલીસે અમદાવાદથી દબોચી!
ટીકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. આ વખતે સુરત પોલીસે અમદાવાદથી તેની ધરપકડ કરી છે. કીર્તિ પટેલ સામે સુરતના એક જાણીતા બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે, જેને લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત વર્ષે સુરતના જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયાએ કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, કીર્તિ પટેલે જમીન વિવાદને લઈને બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. આટલું જ નહીં, જો ખંડણી નહિ ચૂકવાય તો બિલ્ડરને હનીટ્રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરાર કીર્તિ પટેલને અમદાવાદથી ઝડપી લેવાઈ
આ કેસ નોંધાયા બાદ કીર્તિ પટેલ ફરાર હતી. સુરત પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને અંતે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ દ્વારા કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો
હંમેશા વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની ધરપકડનો આ મુદ્દો હાલ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ટીકટોક અને ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઈંગ ધરાવતી કીર્તિ પટેલ સામે ખંડણી અને હનીટ્રેપની ધમકી જેવા ગંભીર આરોપો લાગતા તેના ચાહકોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. આ પ્રકરણના વધુ ખુલાસા આગામી સમયમાં સામે આવે તેવી શક્યતા છે.