‘પોષણ સંગમ કાર્યક્રમ’નો ગાંધીનગર ખાતેથી રાજ્યવાપી શુભારંભ કરાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
પોષણ, કાળજી અને યોગ્ય સારવાર થકી સુપોષિત બનશે ગુજરાત: મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા
આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં ‘પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે: મંત્રીશ્રી
આ પ્રસંગે પોષણ સંગમ ફિલ્મ, પોષણ સંગમ એપ્લિકેશન, પોષણ સંગમ મોડ્યુલર, પોષણ સંગમ પત્રક અને વાલી કાર્ડનું મંત્રીશ્રી હસ્તે અનાવરણ કરાયું
ગાંધીનગર ખાતેથી ‘પોષણ સંગમ કાર્યક્રમ’નો રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં ‘પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે. પોષણને માત્ર ખોરાક જ નહીં, પરંતુ જીવનશૈલી બનાવવાની જરૂર છે. બાળકોને સુપોષિત બનાવવામાં સામુહિક રીતે સમુદાયમાં સંકલિત પ્રયાસો કરવા પણ એટલા જ જરૂરી છે. યોગ્ય પોષણ, જરૂરી કાળજી અને સમયે સારવાર થકી ગુજરાતને સુપોષિત બનાવી શકાશે.
મંત્રી શ્રી બાબરીયાએ ‘પોષણ સંગમ’ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન (C-MAM) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેને રાજ્ય સરકાર દ્વારા ‘પોષણ સંગમ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ૬ વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન-ઉાંચાઇ માપન, ભૂખ પરીક્ષણ, તબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તરે પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ઘ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝૂંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
પોષણ સંગમ કાર્યક્રમની કામગીરીને બિરદાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત નાની ઉંમરના બાળકોમાં થતી વૃદ્ધિ/ગ્રોથ ને લગતી સમસ્યાના રેકોર્ડ રાખવા માટે જન્મથી ૬ માસ સુધીના તમામ બાળકો માટે ૧૨.૭૪ લાખ જેટલા EGF (અર્લી ગ્રોથ ફોલ્ટરીંગ) કાર્ડ તમામ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા છે. પોષણ સંગમ કાર્યક્રમની માર્ગદર્શિકાની પપ,૭૦૦ કોપી તમામ આંગણવાડી કેન્દ્રો, મુખ્ય સેવિકાઓ, ઘટક કચેરીઓ તથા જિલ્લા કચેરીઓને પણ પહોંચાડવામાં આવી છે.
આ ઉપરાંત પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત કુપોષિત (SAM) બાળકો કે જેઓને સમુદાય આઘારિત વ્યવસ્થાપન (C-MAM) કાર્યક્રમમાં દાખલ કરવામાં આવશે, તેવા ૬ માસથી પ વર્ષ સુધીના બાળકોના રેકોર્ડ માટે તથા પોષણ સંગમ કાર્યક્રમમાં વાલીઓની ભાગીદારી વધે અને માતા-પિતા દ્વારા બાળકના ખોરાકનું ધ્યાન રાખી શકાય તે માટે ૧૧.૧૫ લાખ C-MAM કાર્ડ તથા ૧૧.૧પ લાખ બાલશકિત (પેરેન્ટ) કાર્ડ તમામ આંગણવાડી કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા છે, તેમ મંત્રશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, સ્વસ્થ જીવન માટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ છે. સગર્ભા સ્ત્રીઓ, માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. બાળકોને સુપોષિત બનાવવાના ધ્યેય સાથે પોષણ સંગમ જેવા મહત્વના કાર્યક્રમની શરૂઆત કરવા બદલ મેયરશ્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.
‘પોષણ સંગમ કાર્યક્રમ’ની રૂપરેખા આપતાં મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકરે જણાવ્યું હતું કે, દેશના દરેક બાળકને સુપોષિત બનાવવાના ભારત સરકારના અભિયાનને ગુજરાત સરકાર સુપેરે આગળ વધારી રહી છે. આ કાર્યક્રમ માં આઈસીડીએસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝીણવટતાપુર્વક સંકલન કરવામાં આવ્યુ છે, જેના થકી પોષણ સંગમ કાર્યક્રમ સફળતા પ્રાપ્ત કરશે. પોષણ સંગમ(EGF+ CMAM) કાર્યક્રમમાં થનાર કામગીરીનું સારી રીતે મોનીટરીંગ થશે તેમજ રીપોર્ટીંગ સરળતાથી મળી રહે તેના માટે ગુજરાત રાજ્યમાં પોષણસંગમ એક Innovative એપ્લીકેશન બાનાવવામાં આવી છે. આ પોષણ સંગમ એપ્લીકેશન થકી બાળકોને સમયસર પોષણ, કાળજી અને યોગ્ય સારવાર આપવામાં સરળતા રહેશે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ત્રણ તબકકામાં આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના ૫૦ હજાર કરતાં વધારે કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા છે. આ પોષણ સંગમ કાર્યક્રમનું જિલ્લામાં અમલીકરણ કરવા માટે જિલ્લા કક્ષાના આઇ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને રાજ્ય કક્ષાના ૧૬૭ માસ્ટર ટ્રેનર તરીકે પાંચ બેચમાં બે દિવસની તાલીમ આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ICDS કમિશનર શ્રી રણજીતકુમાર સિંહે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પોષણ સંગમ કાર્યક્રમ થકી સમયસર હસ્તક્ષેપ દ્વારા બાળકોના પોષણ સ્તરમા ઝડપી સુધારો લાવી શકાશે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે ભૂલકાઓને અન્નપ્રાશન તથા કિશોરીઓને THR નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોષણ સંગમ ફિલ્મ, પોષણ સંગમ એપ્લિકેશન, પોષણ સંગમ મોડ્યુલર તથા પોષણ સંગમ પત્રક એક-બે તથા વાલી કાર્ડનું પણ મંત્રીશ્રી તથા મહાનુભાવઓના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ પોષણ પ્રતિજ્ઞા લીધી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, તથા નિયામકશ્રી મહિલા કલ્યાણ પુષ્પાબેન નિનામા, પોષણ અભિયાન મિશન ડાયરેક્ટર શ્રી જીજ્ઞાસા પંડ્યા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.