રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહે જામનગર કલેકટર કચેરીના સભાખંડ ખાતે આવેલ સેનાની ત્રણેય પાંખોના ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અગ્રણી અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો અને કોઇ આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરવાનો હતો બેઠકની શરૂઆતમાં એરફોર્સ, આર્મી અને નેવીના અધિકારીઓને મેડીકલ સહાય, સાધનો તથા માનવબળ સહાય વિગેરે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપેક્ષિત મદદ તથા આકસ્મિક સંજોગોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષા સંબંધે વહીવટી તંત્રના ધ્યાને મુકવા અંગેની કામગીરીની માહિતી મેળવી હતી આ ઉપરાંત જિલ્લામાં ઉપલબ્ધ ફાયર ફાઇટર સહિતના સંસાધનો, હોસ્પિટલોમાં દવાઓ, બેડ, સ્ટાફ અને તબીબી સાધનોની પૂરતી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. તેમણે કોઈપણ પરિસ્થિતિમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટેની તૈયારીઓ, જિલ્લાના માર્ગો પરિવહન માટે ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરવા માટેની કામગીરી અને પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.