રાજકોટ યાર્ડની વર્ષો જૂની પેઢી એવી જે. કે. કંપનીના સંચાલક બીપીન ઢોલરીયા 2 દિવસથી ફરાર થઈ જતા તથા મોબાઈલ સહિતના સંપર્કો બંધ થઈ જવાને પગલે વેપારીઓમાં ઉશ્કેરાટ સર્જાતો હતો.4 દિવસથી પેમેન્ટ ન કરતા સંચાલકે નાણાં ચૂકવવાની બાંહેધરી આપી હતી અને ત્યારબાદ અચાનક ભૂગર્ભમાં ઉતરી જતા આક્રોશ વકર્યો હતો. યાર્ડમાં જીરૂની ખરીદી પેટે પેઢીના સંચાલકે 145 કમિશન એજન્ટોને 17.19 કરોડ ચુકવવાના થાય છે. મોટી રકમ રિકવર ન થાય તો કમિશન એજન્ટોની હાલત ખરાબ થવાની ભીતિ છે. કમિશન એજન્ટોએ આ મુદાનો નિવેડો ન આવે ત્યાં સુધી યાર્ડ બંધ જ રાખવાનુ એલાન છે. આજે પણ યાર્ડમાં હરાજી સહિતના કામકાજ ખોરવાયેલા રહ્યા હતા અને કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડયુ હતું. યાર્ડનાં કમિશન એજન્ટો દ્વારા સમગ્ર મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. પેઢી માલિકને પકડવા તથા પૈસા રિકવર કરાવવા માંગ કરવામાં આવી હતી.