જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આજે હંગામી કર્મચારી દ્વારા એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવ હોસ્પિટલના જમાદાર ઓફિસમાં બન્યો હતો, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. સામે આવેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, મહિલા સહિત ત્રણ જેટલા શખ્સો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે ફરજ પર હાજર એસ.આઈ. પર હુમલો કર્યો હતો. હુમલાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ આ ઘટનાએ હોસ્પિટલના કર્મચારીઓમાં ભારે રોષ જગાવ્યો છે. આ ઘટનાના પગલે હોસ્પિટલના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક હડતાલ પાડી હતી. કર્મચારીઓનો આક્રોશ એટલો હતો કે તેઓ સીધા જ સીટી બી પોલીસ મથકે દોડી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.