જામનગરના દરેડ ગામમાં આકાર લેશે સૌરાષ્ટ્રનું સૌથી મોટું પરશુરામ ધામ.. 2 લાખ ફૂટના વિશાળ સંકુલમાં 65 ફૂટ ઊંચું ભવ્ય મંદિર બનશે. આ મંદિરને વધુ પવિત્ર બનાવવા માટે ભગવાન પરશુરામના જન્મસ્થળ જાનાપાઉથી એક રજકુંભ લાવવામાં આવ્યો છે. આ પવિત્ર માટીનો ઉપયોગ અહીં બનનારી ઈંટોમાં કરવામાં આવશે, જે આ સ્થાનને એક અલૌકિક સ્પર્શ આપશે.મંદિરના દરેક પથ્થર પર સોમપુરા બ્રાહ્મણોની કલા અને કારીગરીની છાપ જોવા મળશે. તેમનું સુંદર નક્શીકામ ભારતીય સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો હશે. આગામી 5મી મેના રોજ દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વરદ હસ્તે ભૂમિ પૂજન થશે. આ મંદિર સૌરાષ્ટ્રનું એક મોટું આસ્થાનું કેન્દ્ર બનશે.