લોકસભા ચૂંટણી પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના રાજકારણને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને એક વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં સક્રિય રહી ફરી કોંગ્રેસમાં આવેલા રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇને ગુજરાત હાઇકોર્ટએ રાહત આપી છે. મનપાની ચૂંટણી સમયે વોર્ડ નંબર 15માંથી ચૂંટણી લડી વિજેતા બનેલા આ બને કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવી બન્ને બેઠક પર ફરીથી પેટા ચૂંટણી યોજવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, તેની સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવતા હાઇકોર્ટ દ્વારા આ બન્ને કોર્પોરેટરની અપીલ માન્ય રાખી તેમને રાહત આપી છે, જેથી તેઓને પોતાનું કોર્પોરેટર પદ પરત મળશે અને ફરી તેઓ મનપાના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર તરીકે કાર્યરત થશે. આ મામલે વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, જીત હમેશા સત્યની થતી હોય છે. અમે સાચા હતા એટલે કોર્ટે અમને રાહત આપી છે અને અમને અમારું કોર્પોરેટર પદ પરત મળ્યું છે. અમે હાઇકોર્ટનો આભાર માનીએ છીએ. અમને ખોટી રીતે ગેરલાયક ઠેરવી મારુ અને મારા સાથી મહિલા કોર્પોરેટર કોમલબેન ભારાઇનું કોર્પોરેટર પદ છીનવવા માટે પ્રયાસ કરાયો હતો. જેની સામે અમે લડત આપી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. હવે ફરી અમે 4 કોર્પોરેટરો સાથે મળી જનતાને સાથે રાખી લોકોના પ્રશ્નોને વાચા આપીશું.