ગુજરાતની તમામ 182 વિધાનસભા ખાતે આવાસના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન મોદીના હસ્તે 1.34 લાખ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એમાં રાજકોટ શહેરમાં અલગ અલગ ચાર સ્થળે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન વાવડીમાં આયોજિત કાર્યક્રમનાં લાભાર્થી રેખાબેન ચૌહાણ સાથે વડાપ્રધાન મોદીએ સંવાદ કર્યો હતો. એમાં રેખાબેને PM મોદીને ગાંઠિયા-જલેબી ખાવા માટે આમંત્રણ આપ્યું હતું. જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રાજકોટ હવે ક્યાં બોલાવે છે?. ન ગાંઠિયા ખવડાવે છે, ન પેંડા ખવડાવે છે. તમે નિમંત્રણ આપ્યું એ જ મારા માટે ખૂબ મોટી વાત છે. રાજકોટે મને સૌપ્રથમ ધારાસભ્ય બનાવ્યો હતો. આ માટે રાજકોટનો આભારી છું. PM મોદી સાથે સંવાદ કરનાર રેખાબેને મિડીયા વાતચીતમાં જણાવ્યું હતું કે મને માત્ર રૂ. ત્રણ હજાર ભરીને આ આવાસ મળ્યું છે. ભાડાના મકાનને બદલે ઘરનું ઘર મળતાં મારો સમગ્ર પરિવાર ખુશખુશાલ બન્યો છે. આ માટે આજે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરવાની સાથે સાથે તેમને ગાંઠિયા-જલેબીનો સ્વાદ માણવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાને મારા આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. આવાસની સાથે વડાપ્રધાન મોદી સાથે વાત કરવાની તક મળી એનો પણ ખૂબ આનંદ છે.