હાલ સવારે અને રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. આથી મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો હાલ જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુનાં કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાતા સિવિલ અધિક્ષકે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લાંબા સમય બાદ મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1263 કેસ, ઝાડા-ઉલટીનાં 256 કેસ, સામાન્ય તાવનાં 173 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાં પણ વધુ 1-1 કેસ સામે આવ્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. ત્યારે લોકો સાવચેતી રાખે તે ખાસ જરૂરી છે.