સૌરાષ્ટ્રની અન્ડર-23ની ક્રિકેટ ટીમના પાંચ ખેલાડીઓની કીટમાંથી ચંદીગઢમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયાના મામલાએ ભારે ચકચાર જગાવી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ આ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ સૌરાષ્ટ્રની અન્ડર-23ની ટીમ ચંદીગઢમાં સી.કે.નાયડુ ટૂર્નામેન્ટનો મેચ રમવા ગઇ હતી અને ગત તા.25ના મેચ રમીને સૌરાષ્ટ્રના તમામ ખેલાડીઓ ફ્લાઇટમાં રાજકોટ આવી ગયા હતા જ્યારે તેમની કીટ સહિતનો સામાન ચંદીગઢ એરપોર્ટથી કાર્ગોમાં આવવાનો હતો , એરપોર્ટ પર કસ્ટમ વિભાગની તપાસમાં સૌરાષ્ટ્રની ટીમના પાંચ ખેલાડીઓની કીટમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેવે લઇને ચકચાર મચી જવા પામી છે.