નવી પેનશન યોજના નાબૂદ કરવા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘદ્વારા છેલ્લા ઘણાં સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે ગઠન થયેલ જૂની પેન્શન નીતિ સંયુક્ત મોર્ચા સમિતિના દિશા નિર્દેશાનુસાર નવેમ્બર માસમાં ગુપ્તદાન કરી હડતાલ અંગે કર્મચારીઓનો મત લેવામાં આવ્યો હતો. જેમાં ૯૭ ટકા કર્મચારી હડતાલની તરફેણમાં હોય, આથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા હડતાલના ભાગરૂપે તા.૮-૧થી તા.૧૧-૧ સુધી વેસ્ટર્ન રેલવેની તમામ ડીઆરએમ ઓફિસ, વર્કશોપ ગેટ્સ ખાતે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત રાજકોટમાં પણ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ-રાજકોટ મંડળ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા. જેમાં નવી પેન્શન સ્કીમ બંધ કરો અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરો જેવા નારા પણ લગાવ્યા હતા.