દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા રવિવારે વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રવિવારે 25 દીકરીએ એકસાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. જે 25 દીકરીઓના લગ્ન થયા તેમાં કોઇએ માતા-પિતા તો કોઇએ પિતાની છત્રછાયા ગુમાવી છે. માતા-પિતા ભલે હયાત નથી પરંતુ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સૌ કાર્યકર્તાઓ પોતાની નાની બહેન કે દીકરી પરણતી હોય તે રીતે ઉત્સાહભેર આ વહાલુડીના વિવાહમાં જોડાયા હતા અને તમામ 25 દીકરીના રાજકુંવરીની જેમ શાહી લગ્ન કરાવ્યા હતા. વહાલુડીના વિવાહમાં 25 દીકરીઓને 250 થી વધુ વસ્તુઓ કરિયાવારમાં આપવામાં આવી છે. સમગ્ર આયોજનમા કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગ રૂપે ઇમરજન્સી મેડિકલ સારવાર સુવિધા ઉપલબદ્ધ રાખવામાં આવી હતી. રવિવારના રોજ ગીત સનગીત, વૈદિક મંત્રોચાર વચ્ચે ભવ્ય લગ્નોત્સવ સંપન્ન થયો હતો. આ વિવાહમાં ઠાકોરજીના ચરણોમાં ધરવામાં આવેલ 56 ભોગ લગ્નોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સમૂહ લગ્નોત્સવનો 1 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો હતો.