રાજકોટમ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા ગઇકાલે રેસકોર્ષના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધનતેરસની જબરદસ્ત આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. 45 મીનીટના બદલે આ વર્ષે એક કલાકની આતશબાજીથી બાળકો સહિતના વર્ગને મોજ પડી ગઇ હતી. ક્રિકેટ સ્ટેડીયમ લોકોથી ખીચોખીચ ભરાઇ ગયું હતું અને નવી વેરાયટી સહિતના ફટાકડાની આતશબાજી સાથે ડી.જે.ના સંગીત અને ચીચીયારી ગુંજતા રહ્યા હતા. સાથે જ અયોધ્યાના રામ મંદિરના ઉલ્લેખ સાથે જય શ્રી રામના નારા અને ગીતો ગુંજતા રહ્યા હતા.તેમજ દિવાળીને વેલકમ કરતી આ આતશબાજી દર વર્ષે લોકો માટે પ્રિય કાર્યક્રમ હોય છે. પ્રમાણમાં સસ્તા ખર્ચમાં થતો આ કાર્યક્રમ હજારો લોકો નિમંત્રણ વગર પણ આવીને માણે છે જેનાથી મહાપાલિકાએ તગડા ખર્ચવાળા કાર્યક્રમોના બદલે આવા પૈસા વસુલ કાર્યક્રમ યોજવા જોઇએ તેવું પણ પરિવાર સાથે આવેલા લોકો કહેતા હતા. સ્ટેડીયમ અંદર 25 હજાર જેટલા લોકો અને રેસકોર્ષ રીંગ રોડ પર પણ હજારો લોકોએ દિવાળી ઉત્સવ સાથે આતશબાજીનો આનંદ લીધો હતો. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળી હતી.આ સાથે આ ભવ્ય આતશબાજીમાં વૈવિધ્યપૂર્ણ ફટાકડા અને તારામંડળની વેરાઈટી જેવી કે કોમ્મેટ, માઈન્સ, એરિયલ શોટ, 240 મલ્ટીકલર શોટ, 120 મલ્ટીકલર શોટ, 100 ક્રેક્લીંગ શોટ, 100 મ્યુઝીકલ શોટ, 100 સાયરન શોટ, 200 ફુટ નાયેગ્રા ફોલ્સ, હેપ્પી દિવાલી બોર્ડ, પીકોક, થ્રી-ઇન-વન ખજૂરી ટ્રી, સુર્યમુખી ટ્રી, પાલ્મ ટ્રી, ગોલ્ડન સ્ટાર ટ્રી, ઇલેક્ટ્રિક ખજૂરી ટ્રી, અશોક ચક્ર, તેમજ મોટા તારામંડળ સહિતની એક કલાકની મોજ લોકોએ માણી હતી.