રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે સીટી સ્કેન મશીન મંજૂર થયું હતું. સરકારે છ મહિના પહેલાં જ સિવિલ હોસ્પિટલના સત્તાવાહકોને જાણ કરી દીધી હતી કે મશીન મોકલવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મશીન પણ આવી ગયું અને 3 મહિનાથી પડ્યું છે છતાં હજુ ચાલુ કરાયું નથી. મશીન આવ્યા બાદ સિવિલમાં બાંધકામની જવાબદારી સંભાળતા પી.આઈ.યુ. વિભાગ બે મહિનાથી તો કોન્ટ્રાક્ટ આપવાના નામે ગાડું ગબડાવી રહ્યું હતું. કોન્ટ્રાક્ટ અપાયા બાદ હવે કામ શરૂ થયું છે.તેમજ હજુ 15થી 20 દિવસ કામ ચાલે અને ત્યારબાદ સ્ટાફની ગોઠવણ અને તાલીમ બાદ ક્યારે શરૂ થાય તે નક્કી નથી. છ મહિના પહેલાંથી જ જાણ થઈ ગઈ હોય અને મશીન આવી જવાનું હોય તો એસ્ટિમેટ તેમજ બાંધકામ તૈયાર કરવા માટે આગોતરી કાગળની કાર્યવાહી થઈ શકે આ ઉપરાંત નિષ્ણાતોને સાથે રાખીને વધુમાં વધુ 15 દિવસમાં મશીન ઇન્સ્ટોલેશન થઈ શકે છે પણ સિવિલ તંત્રએ મશીન આવ્યા બાદ હવે છેક કામ શરૂ કર્યું છે. આ કારણે ગરીબ દર્દીઓ ખાનગી લેબમાં સીટી સ્કેનનો ખર્ચ કરવા મજબૂર બન્યા છે. ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલને સરકારે કોરોના પહેલાં એક્સ-રે મશીન ફાળવ્યું હતું. જોકે એક્સ-રે મશીન આવ્યા બાદ તે ચાલુ કરવામાં એક વર્ષ જેટલો સમય લાગ્યો હતો. મશીન આવી ગયા બાદ તેને એક્સ-રે વિભાગની લોબીમાં જ બોક્સ પેકિંગમાં રાખવામાં આવ્યું હતું.આ સાથે જ સિવિલ પાસે નવા મશીન રાખવા માટે જગ્યા નથી તેવું બહાનું ચલાવ્યા બાદ ટેક્નિશિયન મળતા નથી ત્યાં સુધી બહાનાબાજી ચાલી હતી. આ જ રીતે હવે સીટી સ્કેન મશીનમાં વાર લાગી રહી છે. અગાઉ અમુક જ દર્દીઓના એમઆરઆઈ રિપોર્ટ થતા હતા અને બાદમાં મશીન બંધ રાખવાની ફરિયાદ થઈ હતી જ્યારે સિવિલના કેમ્પસમાં ખાનગી લેબ 24 કલાક ધમધમે છે. આ મામલે ફરી બહાનું બતાવાયું હતું કે સ્ટાફ મળતો નથી.