જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે હત્યા કરનાર મૃતકના મિત્ર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, હત્યાના કારણમાં આરોપી મૃતકની પત્ની અંગે સાચી ખોટી વાતો કરતો હોય મૃતકે આરોપીને ઠપકો આપ્યો હોય તેનો ખાર રાખી હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં જોશીપરાના હનુમાનપરા વિસ્તારમાં 35 વર્ષે યુવક રામા રાઠોડની તેના જ ધંધાના સાથીદાર સુધીર પરમાર નામના શખ્સ દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. કન્સ્ટ્રકશનનું કામ કરતા રામા રાઠોડ નામનો યુવક જ્યારે પોતાના ધંધાની સાઈટ પર જઈ રહ્યો હતો ત્યારે સુધીર પરમાર નામના યુવકે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.ત્યારે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જુનાગઢ બી ડિવિઝન પોલીસ દ્વારા હત્યારા સુધીર પરમાર તેમજ બીજા બે ઈસમોને ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યા હતા. આરોપી સુધીર પરમાર અને બે મિત્રો સાગર રાઠોડ અને જયદીપ દાફડા બંને મિત્રોની મદદગારીથી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી..હાલ તો જુનાગઢ પોલીસે આ ત્રણે આરોપીઓને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
વિનોદ મકવાણા, જૂનાગઢ