રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ પરનાં ખંઢેરી પાસે આવેલા SCA ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની AGMમાં સર્વાનુમતે નામકરણનો આ ઠરાવ પસાર કરાયો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સ્થાપનાથી લઈ આજ સુધીના 50 વર્ષ સતત સૌરાષ્ટ્રના ભાવિ ક્રિકેટરોના નિર્માણમાં મોટુ યોગદાન આપ્યું છે. આ દરમિયાન નિરંજન શાહનું ખૂબ મોટું પ્રદાન રહેલું હોવાને કારણે સ્ટેડીયમને તેમનું નામ આપવાના નિર્ણયને હાજર રહેલા તમામ સદસ્યો અને ગવર્નીગ બોડીના સભ્યોએ વધાવ્યો હતો.ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની વાર્ષિક AGM ખંઢેરી નજીકના આધુનિક ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મળી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના ક્રિકેટ એસોસીએશનના સભ્ય, ગવર્નીગ કમીટીના હોદ્દેદારો અને સદસ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સંચાલીત ક્રિકેટ સ્ટેડીયમનું નામકરણ ‘નિરંજન શાહ’ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને હવેથી રાજકોટનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ ‘નિરંજન શાહ’ સ્ટેડીયમ તરીકે ઓળખાશે.હાલ ક્રિકેટ વિશ્વ કપ ચાલી રહ્યો છે ત્યારે આ સ્ટેડીયમનું નામકરણ થતા પૂરા દેશમાંથી અભિનંદન-શુભેચ્છાનો વરસાદ શરૂ થયો છે. નિરંજનભાઇ શાહે પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી તરીકે સેવા આપી છે. તો રાજકોટના ગૌરવની જેમ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી તરીકે બે વખત કામ કર્યુ છે. તેમની આ ક્રિકેટ જગત ખાતેની સુવર્ણ યાત્રાની યાદી રૂપે એસોસિએશન દ્વારા આ ગૌરવભર્યો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને નામકરણનો ઠરાવ થતા પૂરા સૌરાષ્ટ્રના જુદા જુદા ક્રિકેટ એસોસીશન માં ખુશીની લાગણી છવાઇ ગઇ છે.