રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ભાજપ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં બુધવારે રાત્રે 10 વાગ્યા પછી ડી.જે વાગતું હોવાની પોલીસને ફરિયાદ કરતાં પોલીસે ડી.જે બંધ કરાવ્યૂ હતું. શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પહેલા સ્થળ પર પી.એસ.આઈ. અને પછી સીપીને ફોન પર ભલામણ કરી હતી. પરંતુ કાયદાએ કાયદાનું કામ કર્યું હતું. પીએસઆઇ ભગોરાએ કાર્યક્રમ અટકાવતાં સ્થળ પર હાજર શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સત્તાના મદમાં પીએસઆઇ સામે રોપ જમાવ્યો હતો અને સીપી સાથે વાત કરી લઉ છું, તેમ કહી પીએસઆઇ ભગોરા ગેરવર્તન કરી રહ્યાના આક્ષેપો કર્યો હતા. શહેર પ્રમુખ દોશીએ કાર્યક્રમ ચાલુ રાખવા ધમપછાડા કર્યા હતા. પરંતુ પોલીસે કાયદાનું પાલન કરાવી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરતા મુકેશ દોશીએ જણાવ્યું કે PSIનો વ્યવહાર સારો ન હતો. એટલે તેઓએ પોલીસ કમિશ્નરને રજુઆત કરી હતી. ગણેશ પંડાલમાં ધાર્મિક વાતાવરણ હતું અને વડીલો અને કાર્યકરો ઉપસ્થિત હતા જે કોઈ ને નડતરરૂપ ન હતા. છતાં કોઈએ ડી.જે ધીમું અથવા બંધ કરવાનું કહ્યું હોત તો એ સ્વીકાર્ય છે. પણ PSIનું વલણ અમારા પ્રત્યે કડક હતું માટે, પોલીસ કમિશ્નરને રજુઆત કરી હતી. જો પોલીસ તંત્રનું વલણ આવું રહેશે તો ઉપર સરકારમાં પણ વાત કરીશું.