સ્થાનીક બજારમાં સૌરાષ્ટ્રમાં સારા વરસાદના પગલે આજે કપાસીયા તેલમાં ૧પ રૃા.નો ઘટાડો થયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ૮૦પ રૃા. હતા તે ઘટીને આજે બપોરે ૭૯૦ રૃા. ભાવ બોલાયા હતા જયારે કપાસીયા ટીનના ભાવ ૧૫૫૦ થી ૧૬૦૦ રૃા. હતા તે ઘટીને ૧પ૩પ થી ૧પ૮પ રૃા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. તો બીજી બાજુ સારા વરસાદના પગલે કપાસીયા તેલના ભાવો તૂટયા પણ સીંગતેલના ભાવો ન ઘટતા લોકોમાં અનેક તર્ક-વિતર્કો થઇ રહયા છે. ત્યારે વરસાદ ખેંચાતા મગફળીનાં પાકને નુકશાન થશે તેવી કાગારોળ મચાવી સટ્ટોડીયાઓએ છેલ્લા ૮ દિ’માં સીંગતેલના ભાવમાં ર૦ રૃા.નો ભાવવધારો ઝીંકી દીધો હતો. હાલમાં સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહયો છે અને મગફળીના પાકને ફાયદો થયો છે. તેમજ સૌરાષ્ટ્રના અમુક યાર્ડોમાં નવી મગફળીની આવકો શરૃ થઇ છે. છતા સીંગતેલના ભાવો કેમ ઘટતા નથી ? તેવો પ્રશ્ન લોકોમાં પુછાઇ રહયો છે. સીંગતેલના ભાવ વધારા અંગે રાજય સરકારે તપાસ કરી અસરકારક પગલા ભરવા જોઇએ તેવી લોકલાગણી પ્રવર્તે છે.