સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે શનિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી. ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની વિગતો જોતા ભરૂચ શહેર 461, અંકલેશ્વર 747, હાંસોટ 293, ઝગડીયા 34, વાગરા 102 એમ કુલ 1637 સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ અસરગ્રસ્ત ગામોને સલામતી અર્થે મોડી રાત સુધી સંબધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.જેને કારણે લોકોને સલામત સ્થળે ખસેડાતા કોઈ જાનહાનિ થઈ નથી.શનિવારે સમગ્ર કલેકટર કચેરી,ડિઝાસ્ટર શાખા સહિત પ્રાંત,મામલતદાર,તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ આખીરાત ખડેપગે રહ્યા હતા.
મનીષ પટેલ