વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે આજ તા.૧૧-૯ ના રોજ બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં આ વખતે યાર્ડની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અત્યાર સુધીમાં શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી.જોકે અંતે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંધાવદર) અને ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ મનજીભાઈ ગોરીયાનો વિજય થયો છે.આ ચુંટણીમાં કુલ ૧૮ મતોમાંથી કોંગ્રેસના બંને ઉમેદવારોને ૧૧ મત તથા ભાજપના ઉમેદવારને ૭ મતો મળ્યા હતા.આ ચુંટણીમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે જલાલભાઈ અલીભાઈ શેરસીયા તથા ઉપપ્રમુખ તરીકે ઇસ્માઇલભાઇ ફતેમામદ કડીવારએ ઉમેદવારી નોંધાવી હતી.જેમાં બંને ઉમેદવારોને ૭ મતો મળ્યા હતા.જેની સામે કોંગ્રેસના ઉમેદવારને ૧૧ મતો મળતા તે વિજેતા જાહેર કરાયા છે.ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો તરફથી એડી ચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું અને તેમ છતાં પણ અંતે ભાજપનો હાથ હેઠો પડ્યો હતો અને મહત્વના બંને હોદ્દાઓ ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.