સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડિયુ સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ પોતાની સારવાર માટે આવતા હોય છે. અને રાજ્ય સરકાર દ્વારા પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી દર્દીઓ માટે ઇન્સ્ટ્રુમેન્ટ ફાળવેલ છે. પરંતુ આજે સવારે એક મહિલા દર્દીને કડવો અનુભવ થયો હતો. વઢવાણ તાલુકાના ફૂલરામ ગામે રહેતા કનુબેન રમેશભાઈ મેમકીયા નામના 45 વર્ષીય મહિલા પોતાના પગના ઈલાજ માટે આજ રોજ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.ત્યારે તેમના પરિવારજનો મહિલાને સિવિલની વ્હીલચેર પર બેસાડી વોર્ડમાં લઈ જતા હતા તે દરમિયાન પોલીસ ચોકી પાસે વ્હીલચેરનું ટાયર જ એકાએક નીકળી જતા મહિલા દર્દી માંડ માંડ બચ્યા હતા. પરિવારજનોએ સૂચકતા દાખવતા મહિલા દર્દીને સંભાળી લીધા હતા. સિવિલ હોસ્પિટલમાં દાતાઓ દ્વારા અનેક સ્ટ્રેચર અને વ્હીલચેર આપવામાં આવતા હોય છે. ત્યારે દર્દમાં રહેલા દર્દીઓને ખખડધજ સાધનો આપતા ઉલમાંથી ચૂલમાં પડવા જેવો સ્થિતિ સર્જાઈ છે.