રાજકોટમાં પોલીસનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ છેલ્લા એક માસમાં સાત-સાત હત્યાના બનાવો સામે આવતાં શહેરીજનોમાં ભયનો માહોલ સર્જાયો છે, જાણે કે તેઓ યુપી બિહારમાં રહેતાં હોય તેવું મહેસુસ કરી રહ્યા છે. સામાન્ય બાબતમાં છરી તલવાર અને ધોકા-પાઇપ ઉડવા સામાન્ય બની રહ્યું છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં ન્યુ સાગર સોસાયટીમાં મોહસીન સુમરા નામના યુવકને છ શખ્સોએ ધોકા અને પાઈપથી ઢોર મારમારી મોતને ઘાટ ઉતારી દેતાં ખળભળાટ મચી ગયો હતો તેમજ ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયા અને ટીમ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ હતી અને પ્રથમ આરોપીઓ વિરૂદ્ધ પ્રથમ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ બાદમાં ટૂંકી સારવારમાં યુવકનું મોત નિપજતાં 302 ની કલમનો ઉમેરો કરી પોલીસે પાંચ આરોપીને સકંજામાં લઈ અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.