રાજકોટના ખંઢેરીમાં રહેતા અને જમીન મકાન લે-વેચનું કામ કરતા પ્રકાશ સોનારા શનિવારે ઢળતીસાંજે ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે આવેલી હોટેલે ઊભો હતા ત્યારે એક કાર ધસી આવી હતી અને કારમાંથી ઉતરેલા ત્રણ શખ્સ પ્રકાશ પર કુહાડીથી તૂટી પડ્યા હતા, હોટેલે અનેક લોકોની હાજરીમાં ઝનૂની બનેલા શખ્સો પ્રકાશને કુહાડીના આડેધડ ઘા ઝીંકવા લાગ્યા હતા. હુમલો થતાં પ્રકાશ જીવ બચાવવા ભાગ્યો હતો પરંતુ કુહાડીના ઘા ઝીંકાતા લોહિયાળ હાલતમાં તે હોટેલ નજીક જ ઢળી પડ્યો હતો અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેમજ પ્રકાશનું કાસળ કાઢી હત્યારાઓ કારમાં નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ રોજિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હત્યાનો ભોગ બનનાર પ્રકાશ સોનારા અગાઉ ખૂની હુમલો, હથિયાર સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો અને હાલમાં જમીન મકાન લે-વેચનું કામ કરતો હતો. જમીનના મુદ્દે રામદેવ નામના શખ્સ સાથે કેટલાક સમયથી માથાકૂટ ચાલતી હતી અને તે મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. પોલીસે રામદેવ સહિતનાઓની શોધખોળ શરૂ કરી હતી.