ચંદ્રયાન 3ના સફળતાપૂર્વક લેન્ડિંગની ક્ષણોને દેશના 140 કરોડ લોકોએ બિરદાવી છે. જેમાં કોઇએ ફાટાકડા ફોડીને તો કોઈએ એકબીજા સ્નેહીજનોને મીઠાઈઓ ખવડાવી ભવ્ય ઉજવણી કરી હતી. ત્યારે રાજકોટ શહેરમાં આ ખુશીની અનોખી ઉજવણી કરવામાં આવી છે. રાજકોટ શહેરે ચિત્રનગરી તરીકે જાણીતું બન્યું છે. ત્યારે ગઈકાલની ઐતિહાસિક ઘડીમાં સાક્ષી બનવા માટે ચિત્રનગરીના કલાકારો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. રાજકોટના કિશાનપરા ચોક ખાતે ચિત્રનગરીના 10 કલાકારો દ્વારા ચંદ્રયાનની અલગ અલગ 4 તસવીરો સાથે ચિત્રો તૈયાર કરી આ ઐતિહાસિક ક્ષણને દેશની ખુશીમાં પોતાની ખુશી ચિત્રકલા સાથે અર્પણ કરી હતી.તેમજ આ અંગે ચિત્રનગરીના ટ્રસ્ટી જીતુભાઈ ગોટેચાએ જણાવ્યું હતું કે, દેશ આખાની ખુશીમાં રાજકોટની અલગ ખુશી અમારા કલાકારો દ્વારા અર્પણ કરવામાં આવી છે. રાજકોટના કિશાનપરા ચોક ખાતે દરેક રાહદારીઓ આ ચિત્રને નિહાળી શકે અને કાયમી માટે જ્યારે પણ કોઈ આ રસ્તા પરથી પસાર થાય અને જુએ તો સીધી આ ઐતિહાસિક ક્ષણની યાદ તાજી થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.તેમજ ચાર રસ્તા પરની મુખ્ય ચાર દીવાલો પર ચિત્રનગરીના 10 કલાકારો દ્વારા રાત્રિના 10 વાગ્યાથી મોડી રાત્રે 3 વાગ્યા સુધી પોતાની કલા સાથે ચંદ્રયાનની અલગ અલગ તસ્વીરો તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ચિત્રનગરીની ટીમમાં 950થી વધુ કલાકારોનો સમાવેશ થાય છે જૈ પૈકી 100થી વધુ પ્રોફેશનલ આર્ટિસ્ટ છે.