જસદણના શિવરાજપુર ગામનો યુવાન લોકરક્ષક તરીકેનો નકલી ઓર્ડર લઈ રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચતાં પોલીસ પણ ચોંકી હતી. પોલીસે યુવકની અટકાયત કરી પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે પોતે શારીરિક કસોટીમાં ફેલ થયો હતો, આથી તેના માસાએ સેટિંગ કરાવવાનું કહી 4 લાખ પડાવ્યા હતા. બાદમાં માસાએ બોગસ કોલ લેટર આપતાં પોલીસ કમિશનર કચેરીમાં હાજર થયો હતો. જોકે પોલીસે નકલી નિમણૂકપત્ર સાથે અટકાયત કરી હતી. પોલીસ-તપાસમાં આરોપીઓએ આવા 28 બોગસ કોલ લેટર બનાવ્યાનું ખૂલ્યું છે. તેમજ LRD બોગસ કોલ લેટર મામલે રાજકોટના DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પ્રદીપ મકવાણા હાજર થઈને કોલ લેટર આપ્યો હતો. પ્રદીપના માસા દ્વારા આ બોગસ એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. ચારથી પાંચ લાખ રૂપિયા વસૂલાત કરતો હતો. 28 જેટલા એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા હોવાનું સામે આવ્યું છે. 18, 19 અને 21 તારીખના હાજર થવા જવાનો હતો. પ્રદીપ મકવાણાનો ટેસ્ટ હતો. જો સફળ થયા હોત તો અન્ય લોકોને પણ મોકલવામાં આવ્યો હોત. સુરેન્દ્રનગરના ચોટીલાના બે શખસ માસ્ટરમાઈન્ડ છે. એપોઇન્ટમેન્ટ લેટર ચોટીલાથી તૈયાર કરાયો હતો. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.