રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ તુલસીબાગ પાસે સોમનાથ સોસાયટીમાં ગઇકાલે એક સ્કોર્પિયો પૂરપાટ ઝડપે નીકળી હતી અને બેકાબૂ બની ગઈ હતી. જેમાં શાકભાજીનો ધંધાર્થી ઠોકરે ચડ્યા બાદ ત્રણ બાઈક, એક રેંકડી અને એક સાઇકલને ઝપેટમાં લઈ ઢસડ્યા હતા. જેમાં ત્રણ વાહનનો ભુક્કો બોલી ગયો હતો. ત્યારબાદ આ ગાડી એક મકાનની દીવાલમાં ધડાકાભેર અથડાતાં આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. જે રીતે ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો તે જોઈને વિસ્તારના લોકોને અમદાવાદના તથ્યકાંડની યાદ આવી ગઈ હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી અને દુર્ઘટના અટકી હતી. આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે કારચાલક કેવલ ગાણોલીયા સામે આઇપીસી કલમ 279, 308, 337, 427 તથા એમ વી એક્ટ કલમ 184, 177, 3-181 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અહી ઉલ્લેખનીય છે કે, કારચાલક કેવલ ગાણોલિયાનો ગઈકાલે જન્મ દિવસ હતો. ગઈકાલે 17 વર્ષ પૂર્ણ થતા 18માં જન્મ દિવસે બીજાની કાર લઈ મિત્રને લઈ નીકળ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી કેવલ પાસે ડ્રાયવિંગ ન હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે..