રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના સ્થળોથી માંડી હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં ચાલતા ચેકીંગ રાઉન્ડ વચ્ચે આજે વોર્ડ નં.7માં સદર, ભીલવાસ મેઇન રોડ પર આવેલી ભારત બેકરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ઉત્પાદન સ્થળે ગંદકી, ખદબદતી જીવાત, વંદા સહિતની આરોગ્ય માટે ખતરનાક હાલ જોવા મળતા 140 કિલો માલનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ખુબ ધમધમતી એવી આ બેકરીમાં અનહાઇજેનિક સ્થિતિથી માંડી કામદારોના મેડીકલ ચેકઅપ ન કરવા સહિતની હાલત જોવા મળ્યાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝી. ઓફિસર ડો.હાર્દિક મેતા અને ફૂડ ઓફિસરની ટીમ આજે ફરિયાદના આધારે ભીલવાસની ભારત બેકરી પ્રા.લી. બેકરીમાં દરોડો પાડતા બેકરી પ્રોકડટ બનાવવામાં વપરાતા અને એકસપાયર થયેલા ઇન્ગ્રેડીયન્સ જેવા કે સ્વીટનર, સોસ, કલર, લોટ વગેરે મળ્યા હતા. બેકરી પ્રોડકટની સાથે ઇંડાના કેરેટ પણ જોવા મળ્યા હતા. કોલ્ડ રૂમમાંથી વાસી કેકના બેઝ, બ્રાઉની વગેરે મળી આવ્યા હતા. તો બટર પેપરની જગ્યાએ પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરાતો હોવાનું માલુમ પડયું હતું. આથી આ તમામ બેદરકારી અને હાઇજેનિક કંડીશન બાબતે આરોગ્ય વિભાગ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. શહેરની જુની અને જાણીતી બેકરીમાં આ પ્રકારનો માલ અને જીવાત સહિતની હાલત જોવા મળતા ભારે ચકચાર જાગી છે. આ કામગીરીમાં ફૂડ સેફટી ઓફિસર કે.એમ.રાઠોડ, કે.જે.સરવૈયાની ટીમ જોડાઇ હતી.