કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડો. વલ્લભ કથીરિયાને વધુ એક મોટી જવાબદારી કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવી છે. રાજકોટના જામનગર રોડ પર બની રહેલ ગુજરાતની પ્રથમ એઇમ્સના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા ડો. કથીરિયાની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તેમજ કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, ડો. વલ્લભ કથીરિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એઇમ્સના નિર્માણ કાર્યની કામગીરી ઝડપથી અને સારી રીતે આગળ વધે તે માટે સ્થાનિક કક્ષાએ દેખરેખ રાખી શકાય તે માટે ડો. કથીરિયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, એઈમ્સ એ એક સ્વાઈપ બોડી છે. દરેક એઈમ્સને તમામ પાવર તથા સારામાં સારા નિર્ણય કરવાની તક્ક મળે છે. સૌરાષ્ટ્રની વાત છે ત્યાં સુધી છેવાડાના માનવી સુધી એઈમ્સમાં સારવાર ફ્રી હોય છે. સારામાં સારી ટેક્નોલોજી, લેટેસ્ટ ટેક્નોલોજી અને સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીમાં પણ સબ સ્પેશિયાલિટી આવે છે. ધારો કે, ઓર્થોપેડિક સર્જન હોય, સ્પાઈન સર્જન હોય. સ્પાઈનમાં પણ નેક્સ સ્પાઇન અને લંબર સ્પાઈનના સર્જન હોય. આ પ્રકારની સબ સ્પેશિયાલિટીની સારવાર સૌરાષ્ટ્રના, ગુજરાતના, કચ્છના દર્દીઓને મળે તે પ્રકારનો મારો પ્રયાસ રહેશે.