અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા અવધ આર્કેડ નામના બિલ્ડિંગમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, ભોંયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો છે. આગનો ધુમાડો ઉપર સુધી પહોંચતાં નાસભાગ મચી હતી. જોકે આજે રજાનો દિવસ હોવાથી બિલ્ડિંગમાં વધારે વ્યક્તિ હાજર ન હોવાનું જાણવા મળ્યું છે. ચાર વ્યક્તિને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ફાયરબ્રિગેડના ડેપ્યુટી ફાયર ઓફિસર ઇનાયત શેખે સિટિ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની આ બિલ્ડિંગ હતી. ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો કે, બિલ્ડિંગમાં ભોયરામાં લિફ્ટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે અને એક માણસ ફસાયો છે. જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં જઈને તપાસ કરતા ભોયરામાં આગ લાગી હતી અને ખૂબ જ ધૂમાડો ફેલાઈ ગયો હતો. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ફાયરબ્રિગેડના જવાનોની અલગ અલગ ટીમો બનાવી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી. બે કલાકમાં ધુમાડો સમગ્ર બિલ્ડિંગમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ત્રણ મહિલા અને એક પુરુષ એમ કુલ ચાર લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે આગ કેવી રીતે લાગી એ અંગે એફએસએલ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર