રાજકોટ સહિત રાજ્યભરના નેફ્રોલોજિસ્ટ તબીબોએ આયુષ્માન ભારત યોજના હેઠળ ડાયાલિસીસના ભાવમાં વધારો કરવા માટે રજૂઆતો કરી હતી. આ રજૂઆતો પરત્વે ધ્યાન આપવાને બદલે આરોગ્ય વિભાગે 2000 રૂપિયાથી સીધો 1650 રૂપિયા ચાર્જ કરી નાખ્યો છે. જેને લઈને રાજ્યભરના તબીબો માટે ડાયાલિસીસનો ચાર્જ મહામુસીબત બન્યો છે. વારંવાર રજૂઆતો બાદ પણ કોઇ નિર્ણય ન આવતા તબીબોએ 14થી 16 ઓગસ્ટ હડતાળનું એલાન કર્યું હતું જેના માટે મંત્રણાઓ ભાંગી પણ તેમાં નિષ્કર્ષ આવવાને બદલે દબાણ શરૂ થયા છે. જેની સામે હડતાળ યથાવત્ રાખવા નિર્ણય લેવાયો છે.ત્યારે નેફ્રોલોજિસ્ટ સોસાયટી ઓફ રાજકોટે જણાવ્યું હતું કે, દરેક જિલ્લાના અધિકારીઓ, આયુષ્માન યોજનાના નોડલ અધિકારીઓ સહિતનાઓ મારફત આરોગ્ય વિભાગ એવું દબાણ કરાવે છે કે, જો ડાયાલિસીસ બંધ રાખ્યું તો હોસ્પિટલનું જેટલું પણ બાકી ચૂકવણું છે તે તમામ અટકાવી દેવાશે.આ ઉપરાંત તેમની હોસ્પિટલનું જોડાણ આયુષ્માન ભારતથી હટાવી દેવાશે. આ ઉપરાંત આયુષ્માન ભારત યોજનામાં જે ઈન્સ્યોરન્સ કંપની છે તેમના મારફત પણ ઈ-મેલ કરાવ્યા છે કે જો ડાયાલિસીસ અટકાવાશે તો પગલાં લેવાશે. આમ છતાં તબીબોએ હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.