ભાવનગર પંથકના અને છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં રહેતા મહિલાએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરતા મહેબૂબ બુખારી નામના શખ્સે તેમની પુત્રીને લવજેહાદને ફસાવી છે અને તેની સાથે છેલ્લા કેટલાક વર્ષોથી દુષ્કર્મ આચરી રહ્યો છે. યુવતીના માતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ‘મારી પુત્રી 17 વર્ષની હતી ત્યારથી તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવી રહ્યુ છે. આથી મહેબૂબ બુખારી સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. તેમજ આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલીસે લાપતા થઈ ગયેલી યુવતીને શોધી કાઢી હતી કે કોર્ટમાં રજૂ કરતા યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ક્રિકેટ કોચ મહેબૂબ બુખારીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરીને એવી દાદ માગી હતી કે, યુવતી પોતાની પાસે આવવા માગતી હોવા છતાં તેમના પરિવારજનો લવજેહાદનો આક્ષેપ કરી યુવતી પોતાને સોંપતા નથી. આ અરજી દાખલ થયા બાદ હાઈકોર્ટે રાજકોટના સંબંધિત પોલીસ અધિકારીઓને નોટિસ ઈસ્યૂ કરી 10 ઓગસ્ટે યુવતીને હાઈકોર્ટમાં હાજર રાખવા હુકમ કર્યો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના અધિકારી તેમજ યુવતીના માતા-પિતા તરફથી વકીલ તરીકે વિઠ્ઠલાપરા હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા ત્યાં હાઈકોર્ટે યુવતીને સાચી હકીકત જણાવવા અને તેને કોની સાથે રહેવું છે. તે અંગે પૂછતા યુવતીએ કહ્યું હતું કે, ‘મારે મહેબૂબ બુખારી પાસે જવું નથી, મારે મારી કારકિર્દી પર ધ્યાન આપવું છે. આ ઉપરાંત યુવતીએ એમ પણ કહ્યું હતું કે તેને ત્યાંથી પૂતળીબા વર્કિંગ વુમન હોસ્ટેલ અથવા તો અખિલ મહિલા હિંદ પરિષદ ખાતે મોકલવામાં આવે. જેથી ત્યાં તે સ્વતંત્ર થઈને પોતાની કારકિર્દી પર ધ્યાન આપી શકે.’ યુવતીના ઉપરોક્ત જવાબ બાદ હાઈકોર્ટે મહેબૂબ બુખારીની હેબિયસ કોર્પસ ફગાવી દીધી હતી અને હુકમ કર્યો હતો કે મહેબૂબ પાસે યુવતીના જેટલા દસ્તાવેજ છે તે તમામ બે દિવસમાં નારી સંરક્ષણ ગૃહમાં જમા કરાવી દેવા.