રાજકોટ શહેરમાં માયાણી ચોક નજીક પટેલ કોલોનીમાં ડખ્ખો થતા વૃદ્ધ પર તલવારથી હુમલો કરાયો હતો. હોસ્ટેલ સંચાલકની દાદાગીરીથી રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. માલવીયનગર પોલીસ મથકે રાત્રે લોકોના ટોળા એકત્ર થયા હતા. સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં દબાણ કરાતા માથાકૂટ થઈ હતી. ઘવાયેલા વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં 108 મારફત હોસ્પિટલમાં ખસેડાયા હતા. મોડી રાત્રે સમાધાન થયાની ચર્ચા થઈ રહી છે. આ અંગે સોસાયટીના રહેવાસી ભાવેશભાઈ ઝાલાવાડિયા દ્વારા પત્રકારો સમક્ષ માહિતી અપાઈ હતી કે, તેમની સોસાયટીમાં સાર્વજનિક પ્લોટ નજીક હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલના સંચાલકો દ્વારા સાર્વજનિક પ્લોટની જગ્યામાં દરવાજો બનાવવામાં આવ્યો હતો. અત્રે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મોડી રાત સુધી અવરજવર કરતા હોય છે. કચરોને બધું ફેંકતા હોય છે. અગાઉ હોસ્ટેલના જવાબદાર વ્યક્તિ કલ્પેશભાઈ વસોયાને જાણ કરાઈ હતી. ઉપરાંત સાર્વજનિક પ્લોટ પર દબાણ થતા મહાનગર પાલિકાના મ્યુ. કમિશનરને પણ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. આ સાથે ગત રાત્રે સાર્વજનિક પ્લોટમાં બગીચાની સાધન સામગ્રી રાખવાની કેબિન હોસ્ટેલના લોકો દ્વારા હટાવી દેવાઈ હતી. જેથી પટેલ કોલોની શેરી નંબર 1, 2, 3ના રહેવાસીઓ સમજાવવા ગયા હતા પણ હોસ્ટેલે હાજર લોકો દ્વારા તલવાર, પાઈપ વગેરે હથિયારથી હુમલો કરાયો હતો જેમાં સોસાયટીના રહેવાસી વૃદ્ધ નરશીભાઈ મોહનભાઇ ઝાલાવડીયાને માથામાં તલવાર મારી દેતા લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને હોસ્પિટલમાં ખસેડી બાકીના લત્તાવાસીઓ તુરંત માલવીયનગર પોલીસ મથકે દોડી ગયા હતા. પોલીસ મથક બહાર મોટા પાયે લોકોની જમાવડો થઈ ગયો હતો. જોકે બાદમાં સમાધાન થયાની ચર્ચા થઈ હતી.