સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના રસરંગ લોકમેળામાં આ વર્ષે યાંત્રિક રાઇડ્સના ભાવમાં વધારો ન આપવામાં આવતા યાંત્રિક રાઇડ્સના ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. ભાવવધારો મંજુર કરવામાં નહિ આવે ત્યાં સુધી હરાજીમાં ભાગ ન લેવા નિર્ણય કર્યો છે. ગઇકાલે યાંત્રિક રાઈડના પ્લોટની હરાજી માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે તેમાં રાઇડ્સના સંચાલકોએ સાથે મળી ટિકિટના ભાવમાં રૂપિયા 10નો ભાવવધારો માગી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના કારણે યાંત્રિક રાઇડ્સ અંગે હરાજી મોકૂફ રખાઈ છે. ત્યારે યાંત્રિક રાઇડ્સ સંચાલક જાકીરભાઇ બ્લોચએ જણાવ્યું હતું કે, રાજકોટ લોકમેળા સમિતિ અને રાજકોટ કલેક્ટર દ્વારા અમને ગઈકાલે હરાજી માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને હરાજીમાં જોડાયા ન હતા. કારણ કે અમે ગત વર્ષે જ ભાવ વધારો માંગ્યો હતો. આમ છતાં આ વર્ષે અમને ભાવ વધારો આપવામાં ન આવતા અમે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. અમારી કલેક્ટર તેમજ લોકમેળા સમિતિ પાસે સામાન્ય માગ છે કે, યાંત્રિક રાઇડ્સની ટિકિટમાં 10 રૂપિયાનો વધારો આપવામાં આવે. ગત વર્ષે અમને મૌખિક મંજૂરી આપવામાં આવી હતી અને આ વર્ષે 10 રૂપિયા વધારો આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. આમ છતાં 10 રૂપિયા વધારો આ વર્ષે આપવામાં આવ્યો નથી. પ્લોટના ભાડામાં 10%નો વધારો મુકવામાં આવ્યો છે તેની સામે અમને વાંધો નથી એ અમે આપવા તૈયાર છીએ, પરંતુ અમે રાઇડ્સમાં માત્ર 10 રૂપિયા જ વધારવા માંગીએ છીએ. તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ડીઝલ તેમજ ટ્રાન્સ્પોટેશન અને મજૂરી સહિત તમામ વસ્તુઓમાં મોંઘવારી અને ભાવ વધારો અસહ્ય હોવાથી અમને આ પરવડે તેમ નથી. માટે અમે સામાન્ય 10 રૂપિયાનો ભાવ વધારો માંગ્યો છે. નાની રાઇડ્સના 40 અને મોટી રાઇડ્સના 50 રૂપિયા કરવા અમારી માગ છે. આ વર્ષે 10 રૂપિયા ભાવવધારો આપવામાં નહિ આવે તો અમે હરાજીમાં જોડાશું નહિ તે વાત નિશ્ચિત છે. અહી ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નાની મોટી મળી કુલ 400થી 500 લોકો 10 રૂપિયા ભાવવધારા માટે વિરોધમાં જોડાયા છે. ભાવવધારા સાથે રાત્રિના મેળાનો સમય 12 વાગ્યાનો કરવા તેમજ મેળાના અંતિમ દિવસ બાદ રવિવાર આવતો હોવાથી મેળાનું આયોજન 5ના બદલે 6 દિવસનું કરવામાં આવે તેવી પણ માંગ કલેક્ટર તેમજ લોકમેળા સમિતિ સમક્ષ મુકવામાં આવી છે.