રાજકોટ શહેરીજનોના જન આરોગ્ય હિતાર્થે મનપાની ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ચેકીંગ દરમિયાન વાસી, એકસપાયરી ડેટ સહિતનો અખાદ્ય ચીજોનો નાશ કરવામાં આવે છે. જે અન્વયે સાધુ વાસવાણી રોડ પર આવેલ અન્નપૂર્ણા માર્ટમાં ચેકીંગ કરવામાં આવતા એકસપાયરી ડેટ તથા અનાજ કઠોળ બગડેલા, ધનેરા જોવા મળતા સ્થળ પર જ ૨૯૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતાની સૂચના અન્વયે ફૂડ સેફટી ઓફિસર કે.જે.સરવૈયા, સી.ડી.વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શિવાલિક -૮, સાધુવાસવાણી રોડ પાસે, રાજકોટ મુકામે આવેલ વિવેકભાઈ શ્રીચંદભાઈ બાલચંદાણીની અનાજ, કઠોળ, કરિયાણું, ગ્રોસરી વગેરે નું વેચાણ કરતી રિટેલર પેઢી ‘અન્નપુર્ણા માર્ટ’ની સ્થળ તપાસ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતાં ૫૦રુ ભાવે આપવાના સ્ટીકર લગાવેલ વિવિધ પેક્ડ ખાધ્ય ચીજો જે દરેક વસ્તુ તપાસતા વિવિધ પ્રકારની બેકરી પ્રોડક્ટ્સ, ખાખરા, ચીકી, મરચું પાઉડર, હળદર પાઉડર, વિવિધ પ્રકારના મરી-મસાલા, અથાણાં, નુડલ્સ, પાસ્તા, ચોકલેટ તથા રેડી ટુ ઈટ ફૂડ વગેરે પેક્ડ ખાધ્ય ચીજને બે માસ થી ડોઢ વર્ષ જેટલા સમયથી એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ વેચાણ માટે રાખેલ હોવાનું જોવા મળેલ તદ ઉપરાંત પેઢીમાં સંગહ કરેલ ડિસ્પ્લેમાં વેચાણ માટે રાખેલ અનાજ, કઠોળ, મગ, અળદ, મોરૈયો વગેરે ખાધ્ય ચીજના પેકિંગ તપાસતા બગડેલા-સડેલા, ધનેડા- જીવાતવાળા જોવા મળેલ. તેમજ પેઢી પર મળી આવેલ સમગ્ર અખાધ્ય જણાયેલ કુલ ૨૯૦ કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટર સ્વીકારેલ. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી SWM વિભાગની ટીપર વાન દ્વારા ગાર્બેઝ ટ્રાન્સપોર્ટ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. .