સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને આધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમજ બેઠકમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મંત્રી એ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવતર કેડી કંડારી રહ્યું છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમો થકી આપણી ભાવિ પેઢી પણ આઝાદીમાં અમૂલ્ય ત્યાગ કરનાર વીરો વિશે જાણી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તેવો હેતુ છે. આ કાર્યક્રમને આપણે સૌ સાથે મળીને સાર્થક બનાવીએ અને દરેક ઘર, દરેક બાળક સુધી આપણાં દેશની આઝાદીનું મહત્વ પહોંચાડીએ. શાળા કક્ષાએ બાળકો માટે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, દેશભક્તિ ગીતની સ્પર્ધા જેવા અવનવા કાર્યક્રમોના આયોજન કરવા અંગે જણાવ્યું હતું. તેમજ તા. ૦૯ થી તા. ૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. દરેક ગ્રામ પંચાયતમાં વીરોને નમન કરવાના હેતુથી એક તકતી મૂકવામાં આવશે, જેમાં ફરજ દરમિયાન શહીદ થયેલા કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. આ સાથે બેઠકમાં મંત્રી ને “મારી માટી- મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત ભાવનગરમાં થઈ રહેલી વિવિધ તૈયારીઓનો ચિતાર આપવામાં આપ્યો હતો. તેમજ આ બેઠકમાં મેયર કીર્તિબાળા દાણીધારીયા, ધારાસભ્ય સેજલબેન પંડયા, કલેકટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નગરપાલિકાઓની કચેરીના પ્રાદેશિક કમિશનરશ્રી પી. જે. ભગદેવ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, અભયસિંહ ચૌહાણ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.